
કોલકાતા: આઈપીએલ-2024ના પોઈન્ટ્સ ટેબલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ ઉપરથી બીજા નંબરે અને પંજાબ કિંગ્સ નીચેથી બીજા નંબરે છે. આજે (સાંજે 7.30 વાગ્યાથી) આ બન્ને ટીમ વચ્ચે ઈડન ગાર્ડન્સમાં જંગ છે. છેલ્લા પાંચ મુકાબલામાં કોલકાતાનો હાથ ઉપર છે. ત્રણમાં કોલકાતા અને બેમાં પંજાબ જીત્યું છે એટલે શ્રેયસ ઐયરની ટીમ 3-2થી આગળ છે.
જોકે કોલકાતા માટે મોટો પડકાર એ છે કે પંજાબ સામે આ સીઝનમાં એક પણ ટીમ 200 કે 200-પ્લસનો સ્કોર નથી કરી શકી. પંજાબ સામે વધુમાં વધુ 199 રન બની શક્યા છે. પંજાબની ટીમની બોલિંગ-એવરેજ 24.94 છે જે તમામ 10 ટીમમાં બેસ્ટ છે.
ઈડનમાં ચારમાંથી ત્રણ મેચમાં બન્ને દાવમાં 200 રનનો આંકડો પાર થયો છે જે બતાવે છે કે આજે પણ હાઇ-સ્કોરિંગ મુકાબલો થઈ શકે.
કોલકાતા આજે પહેલાં બૅટિંગ કરશે કે પછીથી, એના બૅટર્સની મોટી પરીક્ષા થશે, કારણકે પંજાબની બોલિંગ-તાકાત પ્રસંશનીય છે. ઉદાહરણ જોઈએ તો શિખર ધવન/સૅમ કરેનના નેતૃત્વમાં આ ટીમના બોલર્સ ડેથ (છેવટની) ઓવર્સમાં સર્વશ્રેષ્ઠ સાબિત થયા છે. 17થી 20 ઓવર દરમિયાન તેમણે કુલ 23 વિકેટ લીધી છે જે બીજી ટીમોના બોલર્સની તુલનામાં સૌથી વધુ છે. ડેથ ઓવર્સમાં પંજાબની 15.73ની બોલિંગ-સરેરાશ પણ બધામાં બેસ્ટ છે.
પંજાબ પાસે શશાંક સિંહ, આશુતોષ શર્મા, જોની બેરસ્ટો, જિતેશ શર્મા જેવા બિગ-હિટર્સ હોવા છતાં આ ટીમ બૅટિંગની નબળાઈને લીધે સૌથી વધુ ચિંતિત છે. આ સીઝનમાં કુલ પચીસ બૅટરના નામે 200થી વધુ રન છે, પરંતુ એમાં પંજાબનું કોઈ નથી. શશાંક સિંહ કુલ 195 રન સાથે ટીમનો ટૉપ-સ્કોરર છે. બીજું, પંજાબની ટીમ રન બનાવવામાં ખૂબ ધીમી છે, તેમનો સ્ટ્રાઇક-રેટ (દર 100 બૉલ દીઠ રન) 137.31 છે જે સેકન્ડ-લોએસ્ટ છે.
ઈડનમાં કોલકાતાની ટીમ જીતવા માટે ફેવરિટ છે એ જોતા આજે એને બીજા નંબર પર 10ના 12 પોઇન્ટ કરવાની તક છે.
અનફિટ શિખર આજે પણ નહીં રમે તો સૅમ કરેન પર ફરી કેપ્ટ્ન્સીની જવાબદારી આવી પડશે.
ઓલરાઉન્ડ પર્ફોર્મન્સીસમાં ચડિયાતા પુરવાર થવા આન્દ્રે રસેલ અને સૅમ કરેન વચ્ચેની હરીફાઈ જોવા જેવી બની શકે.
સુનીલ નારાયણે બધી ટીમો સામે ઘણી વિકેટો લીધી છે અને એમાં પંજાબ સામેની 33 વિકેટ હાઈએસ્ટ છે.
અત્યાર સુધીના કુલ 32 મુકાબલામાં પંજાબ સામે કોલકાતા 21-11થી આગળ છે.
પ્લેઇંગ ઇલેવન આવી હોઈ શકે:
કોલકાતા: શ્રેયસ ઐયર (કેપ્ટન), ફિલ સૉલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, વેન્કટેશ ઐયર, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મિચલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા. 12મો પ્લેયર: સુયશ શર્મા/વૈભવ અરોરા.
પંજાબ: સૅમ કરેન (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), પ્રભસિમરન સિંહ, રાઇલી રોસોઉ/જોની બેરસ્ટો, લિઆમ લિવિંગસ્ટન, શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કેગિસો રબાડા અને અર્શદીપ સિંહ. 12મો પ્લેયર હરપ્રીત સિંહ.