
IPLની 17મી સિઝન હવે નિર્ણાયક તબક્કા પર આવી ગઇ છે. ચાર ટીમ પ્લેઑફ માટે ક્વોલિફાય કરી ચૂકી છે. કોલકાતા, હૈદરાબાદ, રાજસ્થાન અને બંગલૂરુની ટીમ પ્લેઑફમાં ક્વોલિફાય થઇ ગઇ છે. મુંબઇ ઇન્ડિયન્સની સફર તો પૂરી થઇ ગઇ છે. તેમને માટે આ સિઝન કંઇ ખાસ નથી રહી અને પોઇન્ટ ટેબલમાં તેઓ એકદમ છેલ્લા દસમા નંબર પર છે. મુંબઇ ઇન્ડિયન્સની ટીમની માલિક નીતા અંબાણીનો હવે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેમણે ટીમના પ્રદર્શન વિશે વાત કરી છે. નીતા અંબાણીએ ડ્રેસિંગ રૂમમાં જઇને ખેલાડીઓને સંબોધિત કર્યા છે.
IPLની 17મી સિઝનમાં મુંબઇએ દસમાંથી માત્ર ચાર મેચ જીતીને કંગાળ પ્રદર્શન કર્યું છે. MIનો નેટ રન રેટ પણ (-0.318) ઘણો જ કંગાળ રહ્યો છે. નીતા અંબાણીએ ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે, દરેક ખેલાડીએ તેમની ભૂલો પર ધ્યાન આપવાની જરૂર છે. આપણા બધા માટે આ મોસમ નિરાશાજનક રહી છે. આપણે ઇચ્છતા હતા એ પ્રમાણે પ્રદર્શન નથી કરી શક્યા, પરંતુ હું આજે પણ MIની પ્રશંસક છું. હું માત્ર એની માલિક જ નથી, પણ એની જર્સી પહેરવી એ પણ સન્માન અને વિશેષાધિકારની વાત છે. આપણે બધા આત્મમંથન કરીશું.
T20 વર્લ્ડ કપ 2024માં MIના રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. નીતા અંબાણીએ આ ચારે ખેલાડીને વર્લ્ડ કપ માટે શુભેચ્છા આપી હતી અને કહ્યું હતું કે, ”અમને આશા છે કે તમે T20 વર્લ્ડ કપ 2024માં સારું પ્રદર્શન કરશો.”
T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ તેનું અભિયાન પાંચમી જૂને આયર્લેન્ડ સામેની મેચથી કરશે. આ મેચ ન્યૂ યોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાશે. 9મી જૂને ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે, 12 જૂને યુએસએ સામે અને 15મી જૂને કેનેડા સામે મેચ રમશે.