અમદાવાદ: સોમવારે સાંજથી અમદાવાદમાં વરસાદ, વંટોળ, વીજળીના ચમકારા-ગડગડાટ અને ખરાબ હવામાનને લીધે આઈપીએલ-2024માં મૅચ રદ કરાયાનો પ્રથમ બનાવ બન્યો હતો.
ગુજરાત ટાઇટન્સની કોલકાતા નાઈટ રાઇડર્સ સામેની આ મૅચ હતી જે એક પણ બૉલ નખાયા વિના પડતી મૂકાતા પોઈન્ટ્સ-ટેબલના નંબર-વન કોલકાતાને રમ્યા વિના મળેલા એક પોઇન્ટથી મોટો લાભ થયો હતો. શ્રેયસ ઐયરની કેપ્ટન્સીમાં અને ગૌતમ ગંભીરના કોચિંગમાં રમતી કોલકાતાની ટીમે મોખરે 19 પોઇન્ટ સાથે પોતાની સ્થિતિ વધૂ મજબૂત કરી લીધી હતી.
શુભમન ગિલના સુકાનમાં ગુજરાતને પણ એક પોઇન્ટ મળ્યો અને એના 11 પોઇન્ટ થયા અને પ્લે-ઓફ માટેના એના દાવાનો અંત આવી ગયો. રાત્રે 10.56ના કટ-ઑફ ટાઈમની અંદર પાંચ-પાંચ ઓવર પણ થઈ શકી નહોતી.
મુંબઈ અને પંજાબ પછી હવે ગુજરાતની ટીમ પ્લે-ઑફની રેસની બહાર થનારી ત્રીજી ટીમ બની છે.
કોલકાતા સત્તાવાર રીતે પ્લે-ઓફમાં છે. 16 પોઇન્ટ ધરાવનાર રાજસ્થાન પણ તૈયારીમાં જ છે. જોકે પ્લે-ઑફના બીજા, ત્રીજા અને ચોથા સ્થાન માટે રાજસ્થાન, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલૂરુ, દિલ્હી અને લખનઊ વચ્ચે હરીફાઈ છે.
રાજસ્થાન સતત ત્રણ હારને કારણે પ્લે-ઑફમાં હજી પૂર્ણપણે નથી જઈ શક્યું. જોકે આગામી બેમાંથી એક મેચની જીત એને આસાનીથી પ્લે-ઑફમાં પહોંચાડી શકે. રાજસ્થાનને એકમાત્ર ટીમ લખનઊથી ખતરો છે. જોકે રાજસ્થાનના રનરેટ (+0.349) સામે લખનઊનો રનરેટ (-0.769) ખૂબ નબળો હોવાથી છેવટે રાજસ્થાનને જ ફાયદો થઈ શકે. રાજસ્થાનની પંજાબ અને કોલકાતા સામેની મૅચ બાકી છે. બેમાંથી એક જીત એને પ્લે-ઑફમાં અને બન્ને જીત ટૉપ-ટૂમાં પહોંચાડી શકે.
ચેન્નઈનો રનરેટ (+0.528) ખૂબ જ સારો છે. એ જો બેંગલૂરુ સામેની આગામી મેચ જીતશે તો પ્લે-ઑફમાં પહોંચી જ જશે. જો બેંગલૂરુ સામે હારશે તો હૈદરાબાદ કે લખનઊ બેમાંથી એક ટીમ 16 પોઇન્ટથી નીચે રહે એવી ચેન્નઈની પ્રાર્થના હશે.
સતત છ હાર પછી લાગલગાટ પાંચ જીત સાથે બેંગલૂરુના હવે 12 પોઇન્ટ છે. એ હવે ચેન્નઈને હરાવશે તો પ્લે-ઑફમાં જઈ શકે. જોકે હૈદરાબાદ અને લખનઊ બંને ટીમ 16-16 પોઇન્ટ સાથે આગળ વધશે તો બેંગલૂરુંની એક્ઝિટ થઈ ગઈ સમજો.
દિલ્હીને પ્લે-ઑફનો નજીવો ચાન્સ છે. દિલ્હીએ હવે લખનઊને હરાવવું અત્યંત જરૂરી છે. એ ઉપરાંત, હૈદરાબાદ બાકીની બંને મેચ મોટા માર્જિનથી હારે, ચેન્નઈ જો બેંગલૂરુને હરાવે અને લખનઊ બાકીની બેમાંથી એક જ મેચ જીતે તો જ દિલ્હીને સારા રનરેટ પર પ્લે-ઑફમાં જવાનો મોકો છે.
બિગ-સ્કોરર્સવાળી હૈદરાબાદની ટીમનો રનરેટ (+0.406) લખનઊ કરતાં ઘણો જ સારો છે. હૈદરાબાદની ટીમ બાકીની બેમાંથી એક મેચ જીતશે તો લાસ્ટ-ફોરમાં પહોંચી જ જશે.
લખનઊને ખરાબ રનરેટ છેવટે નડી શકે. એણે રેસમાં ટકી રહેવા બાકીની બંને મેચ જીતીને ૧૬ પોઇન્ટ તો બતાવવા જ પડશે.
કોના કેટલા પોઇન્ટ, કેટલો રનરેટ ?
(1) કોલકાતા: 19 અને +1.428 (રાજસ્થાન સામે મૅચ બાકી)
(2) રાજસ્થાન: 16 અને +0.349 (ચેન્નઈ, કોલકાતા સામે મૅચ બાકી)
(3) ચેન્નઈ: 14 અને +0.528 (બેંગલૂરુ સામે મૅચ બાકી)
(4) હૈદરાબાદ: 14 અને +0406 (ગુજરાત, પંજાબ સામે મૅચ બાકી)
(5) બેંગલુરુ: 12 અને +0.387 (ચેન્નઈ સામે મૅચ બાકી)
(6) દિલ્હી: 12 અને -0.482 (લખનઊ સામે મૅચ બાકી)
(7) લખનઉ: 12 અને -0.769 (દિલ્હી, મુંબઈ સામે મૅચ બાકી)
(8) ગુજરાત: 11 અને -1.063 (હૈદરાબાદ સામે મૅચ બાકી)
(9) મુંબઈ: 8 અને -0.271 (લખનઊ સામે મૅચ બાકી)
(10) પંજાબ: 8 અને -0.423 (રાજસ્થાન, હૈદરાબાદ સામે મૅચ બાકી)