IPL 2024: ‘આમી KKR…’ ગૌતમ ગંભીર KKRમાં પરત ફર્યો

ICC વર્લ્ડ કપ 2023 પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ ચાહકો હવે IPL 2024ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેના માટે તમામ ફ્રેન્ચાઇઝીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. એવામાં ગૌતમ ગંભીર હવે લખનઉ સુપરજાયન્ટ્સ છોડીને IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) ટીમ સાથે જોડાઈ ગયો છે. ગંભીરે એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. ગંભીર અગામી IPL સિઝનમાં KKR ટીમના મેન્ટર તરીકેની જવાબદારી સંભાળશે. નોંધનીય છે કે ગંભીરની કેપ્ટનશીપ હેઠળ KKR એ 2012 અને 2014 IPL ટાઇટલ જીત્યા હતા.
ગંભીરે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આઈ એમ બેક, આઈ એમ હંગ્રી, આઈ એમ નં. 23 આમી KKR..’ તસ્વીરમાં ગૌતમ ગંભીર KKR ની જર્સી પહેરી છે.
IPL 2023 દરમિયાન ટીમના કો ઓનર શાહરૂખ ખાન સાથે ગંભીરની એક તસવીર વાયરલ થઈ હતી, જેના પછી અટકળો શરૂ થઈ હતી કે ગંભીર ફરીથી KKR સાથે જોડાશે. જો કે, તે અટકળો રહી ગઈ હતી. પરંતુ હવે ગંભીરે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને KKR સાથે જોડાવા અંગે પુષ્ટિ કરી હતી.
શાહરૂખ ખાન પણ ગંભીરની KKRમાં વાપસીથી ઘણો ખુશ છે. શાહરુખે કહ્યું કે: “ગૌતમ હંમેશા પરિવારનો એક ભાગ રહ્યો છે અને આ અમારો કેપ્ટન ‘મેંટર’ તરીકે એક અલગ અવતારમાં ટીમમાં પાછો આવી રહ્યો છે. અમે બધા ચંદુ સરની રાહ જોઈ રહ્યા છીએ.”
KKR સાથે ફરી જોડાવા પર ગંભીરે કહ્યું, “હું લાગણીશીલ વ્યક્તિ નથી, પરંતુ આ અલગ છે, જ્યાંથી બધું શરૂ થયું હતું ત્યાંથી હું પાછો ફરી રહ્યો છું. આજે, જ્યારે હું ફરી એકવાર તે જાંબલી અને સોનેરી જર્સી પહેરવાનું વિચારું છું, ત્યારે હું ખૂબ જ આનંદ થાય છે. હું માત્ર KKRમાં જ નહીં પરંતુ ‘સિટી ઑફ જોય’માં પાછો આવી રહ્યો છું.”
લખનઉ સુપર જાયન્ટ્સ ટીમને છોડતી વખતે ગંભીરે કોચિંગ સ્ટાફ, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો હતો. ગંભીરે કહ્યું કે તેને આશા છે કે આ ફ્રેન્ચાઇઝી ટીમ આવનારા સમયમાં સારું પ્રદર્શન કરે.
ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટર તરીકે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપ ટીમનો ભાગ રહ્યો હતો. ગંભીર 2011 થી 2017 સુધી KKR ટીમનો ભાગ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન KKRની ટીમ પાંચ વખત પ્લેઓફમાં પહોંચી અને બે વખત ખિતાબ પર કબજો કર્યો હતો.