ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર; ઓલિમ્પિક્સ 2028માં ક્રિકેટનો સમાવેશ, આટલી ટીમો ભાગ લેશે

લૌઝેન: લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 ગેમ્સ ક્રિકેટ ચાહકો માટે ખાસ (Los Angeles Olympics 2028) રહેવાનો છે, 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટનો ફીવર (Cricket in Olympics) જોવા મળશે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી(IOC) એ પુષ્ટિ કરી છે કે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવશે. વર્ષ 1900ના પેરિસ ઓલિમ્પિક પછી પહેલી વાર ઓલિમ્પિકમાં ક્રિકેટ જોવા મળશે.
લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 ગેમ્સ અંગે IOC એ આપેલી માહિતી મુજબ ક્રિકેટના T20 ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છ, જેમાં પુરુષો અને મહિલાઓ બંને કેટેગરીમાં છ ટીમો ભાગ લેશે.
આ પણ વાંચો: એક હી સપનાં… અપના ઓલિમ્પિક્સ
લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પાંચ નવી રમતો સામેલ કરવામાં આવી છે. તેમાં ક્રિકેટ, સ્ક્વોશ, ફ્લેગ ફૂટબોલ, બેઝબોલ/સોફ્ટબોલ અને લેક્રોસનો સમાવેશ થાય છે. ઓલિમ્પિકમાં ક્રિકેટ માટે ક્વોલિફિકેશન માપદંડ હજુ સુધી નક્કી થયા નથી.
T20 ક્રિકેટ લગભગ 100 દેશોમાં રમાય છે, જેથી ક્વોલિફિકેશન પ્રક્રિયાને ખૂબ પડકારજનક રહેશે. ખાસ વાત એ છે કે યજમાન તરીકે અમેરિકાને ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળી શકે છે.
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિક્સ મેડલિસ્ટ સરબજોત સિંહે સરકારી નોકરીની ઓફર ઠુકરાવી, જાણો શું છે કારણ
લોસ એન્જલસ ઓલિમ્પિક માટેના કાર્યક્રમને બુધવારે IOC એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. 2028 ઓલિમ્પિકમાં કુલ 351 મેડલ ઇવેન્ટ્સ હશે. આ સંખ્યા પેરિસ ઓલિમ્પિક કરતા 22 વધુ છે. IOC એ જાહેરાત કરી કે મુખ્ય એથ્લીટોનો ક્વોટા 10,500 પર રહેશે.
કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો પ્રવેશ
તાજેતરમાં ક્રિકેટ મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટમાં સામેલ થઇ હતી. બર્મિંગહામમાં 2022માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડ અને ભારતે સિલ્વર મેડલ જીત્યો. 2023માં હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં 14 પુરુષ ટીમો અને 9 મહિલા ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ભારતે બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.
ICC ચેરમેન જય શાહ પહેલાથી જ બ્રિસ્બેન 2032 સહિત ભવિષ્યની ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટના સમાવેશ માટે લાંબા ગાળાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે.