ગોલકીપરની કારની અડફેટે આવી ગયા વ્હીલચૅરમાં બેઠેલા વૃદ્ધ, તત્કાળ મૃત્યુ પામ્યા

મિલાનઃ ઇટલીના મિલાન શહેરની નજીક ઇન્ટર મિલાનના ગોલકીપર જૉસેપ માર્ટિનેઝ (Josep Martinez)થી એક ગંભીર હોનારત થઈ ગઈ હતી જેમાં 81 વર્ષના વૃદ્ધ (old man)તેની કારની અડફેટે આવી ગયા હતા જેમાં તત્કાળ તેમનું મૃત્યુ થયું હતું.
વૃદ્ધ શખસ જ્યારે વ્હીલચૅરમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે તેમની વ્હીલચૅર સાથે માર્ટિનેઝની કાર અથડાઈ હતી અને તેઓ દૂર ફેંકાઈ ગયા હતા. ગોલકીપર માર્ટિનેઝ તેમ જ અન્ય મોટરચાલકોએ તાબડતોબ ઈમરજન્સી સેવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. તેમણે ફોન કૉલ કર્યો જેને પગલે થોડી જ વારમાં ઍર ઍમ્બ્યૂલન્સ આવી પહોંચી હતી, પરંતુ એમાંના ડૉક્ટરે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ આ બનાવમાં તપાસ કરી રહી છે. પ્રાથમિક અહેવાલ મુજબ વૃદ્ધ તેમની વ્હીલચૅરમાં સાઇકલની લેનમાં પસાર થઈ રહ્યા હતા, પરંતુ એવું મનાય છે કે તેમને અચાનક કોઈક શારીરિક સમસ્યા નડી જેને લીધે તેમની વ્હીલચૅર અચાનક સાઇકલ લેનમાંથી મુખ્ય રસ્તા પર આવી ગઈ હતી અને પાછળથી આવી રહેલી માર્ટિનેઝની કાર સાથે વ્હીલચૅર અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં માર્ટિનેઝને કોઈ હાનિ નહોતી પહોંચી. ઇન્ટર મિલાન ટીમના કોચ ક્રિસ્ટિયાન શિવુએ વૃદ્ધના મૃત્યુ બદલ તેમને અંજલિ આપવાના હેતુથી પત્રકાર પરિષદ રદ કરી હતી.



