ઈજાગ્રસ્ત જૉકોવિચ સેમિ ફાઇનલ અધવચ્ચે છોડી ગયો અને નિરાશ પ્રેક્ષકોએ હુરિયો બોલાવ્યો
મેલબર્નઃ ટેનિસમાં સિંગલ્સનું પચીસમું ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતવા સંઘર્ષ કરી રહેલા સર્બિયાના નોવાક જૉકોવિચે આજે અહીં ઑસ્ટ્રેલિયન ઓપનની ઍલેકઝાંડર ઝવેરેવ સામેની સેમિ ફાઇનલ ઈજાને લીધે અધવચ્ચે છોડી દીધી હતી. તે પાછો આવી રહ્યો હતો ત્યારે કેટલાક નિરાશ પ્રેક્ષકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો.ત્રણ દિવસ પહેલાં સાડાત્રણ કલાક સુધી રમેલી અલ્કારાઝ સામેની ક્વૉર્ટર ફાઇનલને લીધે જૉકોવિચ ખૂબ થાકેલો હતો.
તેના સ્નાયુઓ ખેંચાઈ જવાને કારણે તેણે સેમિ ફાઇનલમાં પહેલો સેટ 5-7થી ગુમાવ્યો ત્યાર બાદ તે આ મૅચ અને સ્પર્ધામાંથી નીકળી ગયો હતો અને ઝવેરેવને સીધા ફાઇનલમાં જવા મળ્યું હતું.ફાઇનલમાં ઝવેરેવનો મુકાબલો વર્લ્ડ નંબર વન યાનિસ સિન્નર સામે થશે.જૉકોવિચ આ સ્પર્ધામાં રમતો રહ્યો હોત અને ટાઇટલ જીત્યો હોત તો તેનું અગિયારમું ઑસ્ટ્રેલિયન ટાઇટલ કહેવાત. બીજી સેમિ ફાઇનલમાં સિન્નરે બેન શેલ્ટનને 7-2, 6-2, 6-2થી હરાવ્યો હતો.
મહિલાઓમાં અરીના સબાલેન્કા અને મેડિસન કીઝ વચ્ચે શનિવારે ફાઇનલ રમાશે. મેડિસનને પ્રથમ ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાની સુવર્ણ તક છે.