INDs AUS 1st T20I: રિંકુની સિક્સર પર છ રન ના મળ્યા, સેહવાગ સાથે પણ આવું થઇ ચુક્યું છે
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સિરીઝની શરૂઆત જીત સાથે કરી હતી. ગુરુવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ બે વિકેટથી જીત મેળવી હતી. મેચની છેલ્લી ઓવર ઘણી રોમાંચક રહી. છેલ્લી ઓવરમાં રન ચેઝ કરી રેહલી ટીમ ઈન્ડિયાની ત્રણ વિકેટ પડી હતી. ભારતીય ટીમને જીત માટે છેલા બોલ પર એક રનની જરૂર હતી, છેલ્લા બોલે રિંકુ સિંહે સિક્સર ફટકારી હતી, ભારત મેચ જીતી ગયા છતાં આ છ રન રીંકુ કે ટીમ ટોટલમાં ગણાયા ન હતા. ICCના એક નિયમ મુજબ આવું થયું હતું.
ભારતના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 208 રન બનાવ્યા હતા. ભારતે 19 ઓવરમાં પાંચ વિકેટે 202 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને જીતવા માટે છ બોલમાં સાત રન બનાવવાના હતા. રિંકુ સિંહે અંત સુધી ઉભા રહીને ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવી હતી. રિંકુ સિંહ 14 બોલમાં 22 રન બનાવીને અણનમ રહ્યો હતો.
એક સમયે ભારતને જીત માટે ચાર બોલ પર માત્ર બે રન બાકી હતા, પરંતુ બેક ટુ બેક ત્રણ બોલ પર ત્રણ વિકેટ પડી. ભારતને છેલ્લા બોલ પર એક રનની જરૂર હતી, સ્ટ્રાઈક પર રિંકુ સિંહ હતો અને તેણે શોન એબોટના બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી, પરંતુ છ રન મળ્યા નહીં. આવું એટલા માટે થયું કારણ કે શોન એબોટે નો-બોલ ફેંક્યો હતો. જેને કારણે ક્રિકેટ ચાહકો મુંજવણમાં પડ્યા હતા.
ICCના નિયમ મુજબ શોન એબોટે ફેંકેલો બોલ રિંકુના બેટ સુધી પહોંચે એ પહેલા જ ભારતને નો બોલનો એક એક્સ્ટ્રા રન મળી ગયો હતો. એટલે કે ભારતીય ટીમ રીંકુના શોટ મારવા પહેલા જીતી ગઈ હતી. આવી સ્થિતિમાં સિક્સરનું કોઈ મહત્વ ન રહ્યું. આ જ કારણસર રીંકુ અને ભારતને છ ના મળ્યા. ભારત એક બોલ બાકી રહેતા મેચ જીતી ગયું. હાં, જો ભારતને જીતવા માટે બે રનની જરૂર હોત, તો રિંકુ સિંહને છ રન અને ભારતને 7 રન મળ્યા હોત.
ICCના આ નિયમને કારણે ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગ એકવાર સદીથી ચુકી ગયો હતો. 2010માં શ્રીલંકા સામેના વનડે મેચમાં સેહવાગ 99* રન પર હતો અને ટીમને જીત માટે માત્ર એક રનની જરૂર હતી ત્યારે શ્રીલંકાના ઑફ-સ્પિનરે સૂરજ રણદિવે જાણી જોઈને નો બોલ નાખ્યો, જેના પર સેહવાગે સિક્સર ફટકારી હતી. સેહવાગે શરૂઆતમાં એવું વિચારીને ઉજવણી કરી હતી કે તેણે સદી પૂરી કરી. જો કે, અમ્પાયરે તરત નો-બોલ તરીકે સંકેત આપ્યો, જેનાથી સેહવાગને 99 રન પર અણનમ રહ્યો હતો.