ઑસ્ટ્રેલિયન મહિલા ટીમ સામેની ટેસ્ટ પર ભારતની મજબૂત પક્કડ, ૧૫૭ રનની મેળવી લીડ
મુંબઇ: ભારત અને ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે એકમાત્ર ટેસ્ટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઑસ્ટ્રેલિયાની ટીમને પ્રથમ દાવમાં ૨૧૯ રનમાં આઉટ કર્યા બાદ ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં ૧૫૭ રનની લીડ મેળવી લીધી છે. ભારતીય મહિલા ટીમે પ્રથમ દાવમાં સાત વિકેટ ગુમાવીને ૩૭૬ રન કરી લીધા છે. હાલમાં પૂજા વસ્ત્રાકર અને દીપ્તિ શર્મા ક્રિઝ
પર છે.
શેફાલી વર્મા ૪૦ રન અને સ્મૃતિ મંધાના ૭૪ રન કરીને આઉટ થઈ ગઈ હતી. જ્યારે સ્નેહ રાણા નવ રન કરી શકી હતી. ઑસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનર અને જેસ જોનાસેનને એક-એક વિકેટ મળી છે. આ પછી રિચા ઘોષ અને જેમિમાએ ચોથી વિકેટ માટે ૧૧૩ રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી કિમ ગાર્થે તોડી હતી. તેણે રિચાને આઉટ કરી હતી. રિચા ૧૦૪ બોલમાં સાત ચોગ્ગાની મદદથી ૫૨ રન કરી આઉટ થઈ ગઈ હતી. આ સાથે જ જેમિમાએ પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફરી હતી જ્યારે યાસ્તિકા ભાટિયા માત્ર એક રન કરી શકી હતી. આ પછી જેમિમાહ રોડ્રિગ્સ ૧૨૧ બોલમાં નવ ચોગ્ગાની મદદથી ૭૩ રન કરીને આઉટ થઈ ગઈ હતી.
આ પહેલા ઑસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ ૨૧૯ રનમાં સમેટાઈ ગયો હતો. બેથ મૂનીએ ૪૦ રન, તાહિલા મેકગ્રાએ ૫૦ રન અને કેપ્ટન એલિસા હીલીએ ૩૮ રન કર્યા હતા. આ સિવાય કિમ ગાર્થ ૨૮ રન કરીને અણનમ રહી હતી.