ઇંગ્લૅન્ડની 311 રનની લીડ પછી ભારતનો ધબડકોઃ ડ્રૉ પણ મુશ્કેલ લાગે છે | મુંબઈ સમાચાર

ઇંગ્લૅન્ડની 311 રનની લીડ પછી ભારતનો ધબડકોઃ ડ્રૉ પણ મુશ્કેલ લાગે છે

મૅન્ચેસ્ટરઃ અહીં ઑલ્ડ ટ્રેફર્ડ (Old Trafford)ના મેદાન પર ભારતીય બોલર્સ ચોથી ટેસ્ટના ચોથા દિવસે યજમાન ઇંગ્લૅન્ડ (England)ને પ્રથમ દાવમાં મહામહેનતે ઑલઆઉટ કરવામાં સફળ થયા ત્યાર બાદ ભારતીય બૅટ્સમેનોએ ધબડકા સાથે બીજા દાવની શરૂઆત કરી હતી. ભારત (India)ના 358 રનના જવાબમાં ઇંગ્લૅન્ડનો પહેલો દાવ 669 રનના સ્કોર પર પૂરો થયો હતો અને બ્રિટિશરોએ 311 રનની તોતિંગ સરસાઈ સાથે ભારતને બીજો દાવ શરૂ કરવાનો પડકાર ફેંક્યો હતો જેમાં ભારતે લંચ પહેલાંની 20 મિનિટમાં નિરાશાજનક શરૂઆત કરી હતી.

ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સે દાવની પહેલી જ ઓવરના ચોથા અને પાંચમા બૉલ પર અનુક્રમે યશસ્વી જયસ્વાલ (0) અને વનડાઉનમાં આવેલા 2025ની આઇપીએલના સર્વોત્તમ બૅટ્સમૅન સાઇ સુદર્શન (0)ને આઉટ કરી દીધા હતા. થોડી ક્ષણો પછી લંચ-ટાઇમ શરૂ થયો હતો અને ત્યારે ભારતનો સ્કોર બે વિકેટે એક રન હતો. જાણે ભારતીયો આખા પ્રથમ દાવમાં પિચનો જે લાભ ન લઈ શક્યા એ ફાયદો ક્રિસ વૉક્સે પહેલી જ ઓવરમાં ઉઠાવ્યો હતો.

હવે ભારત માટે વિજય તો શક્ય નથી લાગતો. જો ભારત આ મૅચ જીતે તો બહુ મોટો ચમત્કાર કહેવાશે. જોકે ટીમ ઇન્ડિયાએ ડ્રૉ માટે પણ હવે ખૂબ ઝઝૂમવું પડે એવી હાલત છે.

એ પહેલાં, ઇંગ્લૅન્ડની ફર્સ્ટ ઇનિંગ્સમાં કૅપ્ટન બેન સ્ટૉક્સ (141 રન, 198 બૉલ, 329 મિનિટ, ત્રણ સિક્સર, અગિયાર ફોર) પણ સદી ફટકારવામાં સફળ થયો હતો. આ તેની 14મી ટેસ્ટ સેન્ચુરી હતી. એ જ દાવમાં શુક્રવારે જૉ રૂટે (150 રન, 248 બૉલ, 349 મિનિટ, 14 ફોર) કરીઅરની 38મી સેન્ચુરી ફટકારી હતી. 669 રનમાં ઝૅક ક્રૉવ્લીના 84 રન, બેન ડકેટના 94 રન અને ઑલી પૉપના 71 રન પણ સામેલ હતા.

રવીન્દ્ર જાડેજાએ 143 રનમાં ચાર વિકેટ અને બીજા સ્પિનર વૉશિંગ્ટન સુંદરે 107 રનમાં બે વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહને 112 રનમાં બે વિકેટ અને સિરાજને 140 રનમાં ફક્ત એક વિકેટ તેમ જ અંશુલ કંબોજને 89 રનમાં એક વિકેટ મળી હતી. ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને માત્ર 11 ઓવર બોલિંગ મળી હતી, પરંતુ પંચાવન રનમાં તેને એકેય વિકેટ નહોતી મળી શકી.

આ પણ વાંચો…માન્ચેસ્ટર ટેસ્ટમાં કુલદીપ યાદવની અવગણના કેમ કરવામાં આવી? બોલિંગ કોચે કરી સ્પષ્ટતા…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button