ભારતની નવમા ક્રમની મહિલા હૉકી ટીમનો થાઇલૅન્ડ સામે 11-0થી વિજય

હાન્ગઝો (ચીન): એક તરફ બિહારના રાજગીરમાં હરમનપ્રીત સિંહની કૅપ્ટન્સીમાં ભારતના પુરુષોની હૉકી ટીમ એશિયા કપમાં ફાઇનલમાં પહોંચવાની તૈયારીમાં છે ત્યાં બીજી બાજુ ચીનમાં સલીમા ટેટે (Salima Tete)ના નેતૃત્વમાં ભારતીય મહિલા હૉકી ટીમે એશિયા કપમાં શરૂઆતમાં જ ધમાલ મચાવી દીધી છે. ભારતે શુક્રવારે પોતાની પહેલી જ મૅચમાં થાઇલૅન્ડ (Thailand)ને 11-0થી માત આપી હતી.
મહિલા એશિયન હૉકીમાં ભારતીય ટીમ નવમા સ્થાને અને થાઇલૅન્ડ 30મા ક્રમે છે. ભારતીય ખેલાડીએ થાઇલૅન્ડની પ્લેયર્સથી ઘણી ચડિયાતી છે, પણ ભારત (India)ની વિરુદ્ધમાં તેઓ એક પણ ગોલ નહોતી કરી શકી. ભારત વતી ઉદિતા દુહાન (Udita Duhan) અને બ્યૂટી ડન્ગ ડન્ગે બે-બે ગોલ કર્યા હતા, જ્યારે બાકીની સાત ખેલાડીએ એક-એક ગોલ કરીને ભારતની જીતમાં યોગદાન આપ્યું હતું. હાફ ટાઇમ વખતે ભારતીય ટીમ 5-0થી આગળ હતી.
ઉદિતાએ 30મી તથા બાવનમી મિનિટમાં પેનલ્ટી કૉર્નર દ્વારા અને ડન્ગ ડન્ગે 45 તથા 54મી મિનિટમાં ગોલ કર્યા હતા. ભારતની અન્ય ગોલકર્તા ખેલાડીઓમાં મુમતાઝ ખાન (સાતમી મિનિટ), સંગીતા કુમારી (10મી મિનિટ), નવનીત કૌર (16મી મિનિટ), લાલરેમસિયામી (18મી મિનિટ), થૉન્ડૅમ સુમન દેવી (49મી મિનિટ), શર્મિલા દેવી (57મી મિનિટ) અને રુતજા દાદાસો પિસાલ (60મી મિનિટ)નો સમાવેશ હતો.
એશિયા કપ જીતનારી ટીમ 2026ના વિમેન્સ વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થશે. હવે ભારતીય ટીમ જાપાન તથા સિંગાપોર સામે રમશે.
આ પણ વાંચો….એશિયા કપ હૉકીમાં ભારત હજી અપરાજિત, હવે મલયેશિયાને…