ભારતના મિસ્ટ્રી સ્પિનરે રચ્યો ઇતિહાસ, રૅન્કિંગમાં અગાઉ કોઈ ભારતીય આવું નહોતો કરી શક્યો।

દુબઈઃ ભારતના મિસ્ટ્રી સ્પિનર તરીકે ઓળખાતા વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy)એ નવો ઇતિહાસ રચ્યો છે. તે આઇસીસી ટી-20 બોલર્સ રૅન્કિંગમાં સૌથી વધુ રેટિંગ મેળવનાર ભારતીય ક્રિકેટર બની ગયો છે.

ભલભલા બૅટ્સમૅનને રહસ્યમય સ્પિનની કરામતથી ચક્કર ખવડાવી દેવા માટે જાણીતા વરુણના રેટિંગની સંખ્યા 818 ઉપર પહોંચી છે. અગાઉ ટી-20 ફૉર્મેટના રૅન્કિંગ (RANKINGS)માં ક્યારેય કોઈ ભારતીય ખેલાડીના આટલા ઊંચા રેટિંગ (Rating) નહોતા.
આ પણ વાંચો: ટી-20 રૅન્કિંગમાં અભિષેક, વરુણ, હાર્દિક નંબર-વન પર અડીખમ, ગિલની સાત ક્રમની છલાંગ
વરુણે સૌથી વધુ રેટિંગમાં જસપ્રીત બુમરાહને ભારતીયોમાં પાછળ રાખી દીધો છે. ઉલ્લેખનીય છે કે વરુણ હાલમાં ટી-20 આંતરરાષ્ટ્રીય બોલર્સમાં વર્લ્ડ નંબર-વન છે. તેણે સાઉથ આફ્રિકા સામેની વર્તમાન સિરીઝની પહેલી ત્રણેય મૅચમાં બે-બે વિકેટ લીધી હતી. કુલ છ વિકેટ લેવા ઉપરાંત સારા ઇકોનોમી રેટને લીધે તેને રૅન્કિંગમાં ફાયદો થયો છે.
અત્યાર સુધી ટી-20 બોલર્સ રૅન્કિંગમાં ભારતીયોમાં સૌથી વધુ રેટિંગ જસપ્રીત બુમરાહના હતા. 2017માં તેના 783 રેટિંગ હતા જે ભારતીયોમાં આઠ વર્ષ સુધી રેકૉર્ડ હતો જે વરુણે 818ના રેટિંગ સાથે તોડ્યો છે. બીજી રીતે કહીએ તો 800ના રેટિંગ સુધી પહોંચનાર તે પ્રથમ ભારતીય બોલર પણ બન્યો છે.



