ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી નીચા સ્કોર કયા છે જાણો છો? ચાલો, એક નજર કરી લઈએ…
બેન્ગલૂરુ: ભારતીય ટેસ્ટ ટીમ પોતાના સૌથી નીચા ટેસ્ટ-સ્કોર (36/10)માં ઑલઆઉટ થઈ ગઈ એને માંડ ચાર વર્ષ થયા છે ત્યાં ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે લોએસ્ટ સ્કોરની નામોશી જોવડાવી છે. ગુરુવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બૅટિંગ લીધા પછી ભારતીય ટીમ માત્ર 46 રનમાં ઑલઆઉટ થઈ ગઈ જે ઘરઆંગણે ભારતનો નવો સૌથી નીચો સ્કોર છે.
પાંચ બૅટર ઝીરોમાં આઉટ થઈ ગયા જેને કારણે હોમ-ગ્રાઉન્ડ પર ભારતીય ટીમ પહેલી વાર 50 રન પણ ન બનાવી શકી.
ન્યૂ ઝીલૅન્ડ સામેની ઘરઆંગણાની ટેસ્ટમાં ભારતીય ટીમના પાંચ બૅટર ખાતુ પણ ન ખોલાવી શક્યા એવું પચીસ વર્ષે ફરી બન્યું છે. 1999માં મોહાલી ટેસ્ટમાં પણ કિવીઓ સામે આવું બન્યું હતું.
ઘરઆંગણે ભારતનો અગાઉનો લોએસ્ટ ટેસ્ટ સ્કોર 37 વર્ષ પહેલાં નોંધાયો હતો જેમાં ભારતીય ટીમ નવેમ્બર, 1987માં દિલ્હીમાં 75 રનમાં આઉટ થઈ હતી.
ભારતના લોએસ્ટ સ્કોર આ મુજબના છે…
આપણ વાંચો: પ્રથમ ટેસ્ટમાં ભારત મોટી મુસીબતમાં, 34 રનમાં ગુમાવી છ વિકેટ
ઘરઆંગણે: (1) 31.2 ઓવરમાં 46 રન, 2024માં બેન્ગલૂરુમાં ન્યૂ ઝીલૅન્ડ સામે (2) 30.4 ઓવરમાં 75 રન, 1987માં દિલ્હીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે (3) 20 ઓવરમાં 76 રન, 2008માં અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે (4) 27 ઓવરમાં 83 રન, 1999માં મોહાલીમાં ન્યૂ ઝીલૅન્ડ સામે (5) 33.3 ઓવરમાં 88 રન, 1965માં બ્રેબૉર્ન સ્ટેડિયમમાં ન્યૂ ઝીલૅન્ડ સામે.
વિદેશમાં: (1) 21.2 ઓવરમાં 36 રન, 2020માં ઍડિલેઇડમાં ઑસ્ટ્રેલિયા સામે (2) 17 ઓવરમાં 42 રન, 1974માં લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામે (3) 21.3 ઓવરમાં 58 રન, 1947માં (ઓવર દીઠ આઠ બૉલનો નિયમ) ઑસ્ટ્રેલિયા સામે (4) 21.4 ઓવરમાં 58 રન, 1952માં મૅન્ચેસ્ટરમાં ઇંગ્લૅન્ડ સામે (5) 34.1 ઓવરમાં 66 રન, 1996માં ડરબનમાં સાઉથ આફ્રિકા સામે.