AFC મહિલા એશિયન કપ 2026 ક્વોલિફાયર માટે 24 સભ્યની ભારતીય ટીમ જાહેર

નવી દિલ્હીઃ ઈજાના કારણે ત્રણ ફોરવર્ડ ગુમાવ્યા બાદ ભારતીય સિનિયર મહિલા ટીમના મુખ્ય કોચ ક્રિસ્પિન છેત્રીએ સોમવારે થાઈલેન્ડમાં રમાનારા એએફસી મહિલા એશિયન કપ ઓસ્ટ્રેલિયા 2026 ક્વોલિફાયર માટે 24 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી.
ક્વોલિફાયર માટે અંતિમ 23 સભ્યોની ટીમની જાહેરાત પ્રથમ મેચ પહેલા કરવામાં આવશે. ભારતીય ટીમને ક્વોલિફાયરના ગ્રુપ બીમાં મૂકવામાં આવી છે જ્યાં તેઓ મંગોલિયા (23 જૂન), તિમોર લેસ્તે (29 જૂન), ઇરાક (બે,જૂલાઇ) અને યજમાન થાઈલેન્ડ (5 જુલાઈ) સામે ટકરાશે.
ગ્રુપ વિજેતાઓ માર્ચ 2026માં ઓસ્ટ્રેલિયામાં યોજાનારી મુખ્ય ટુર્નામેન્ટ માટે ક્વોલિફાયર થશે. મહિલા એશિયન કપ ફીફા મહિલા વર્લ્ડ કપ બ્રાઝિલ 2027 માટે ક્વોલિફાયર પણ છે.
છેત્રી અને તેમની ટીમ સોમવારે સાંજે થાઈલેન્ડ પહોંચશે અને તેમની પ્રથમ મેચ પહેલા ઉત્તરીય શહેર ચિયાંગ માઈમાં એક અઠવાડિયા માટે ટ્રેનિંગ લેશે. બધી મેચો ચિયાંગ માઈ સ્ટેડિયમમાં યોજાશે.
ભારતીય ટીમે બેંગલુરુમાં પાદુકોણ-દ્રવિડ સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ ખાતે છ અઠવાડિયા સુધી તાલીમ લીધી અને ક્વોલિફાયરની તૈયારી માટે 30 મે અને 3 જૂનના રોજ ઉઝબેકિસ્તાન સામે બે ફ્રેન્ડલી મેચ રમી હતી અને બંન્નેમાં ટીમને 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.
છેત્રીએ કહ્યું હતું કે, “હું બેંગલુરુમાં તૈયારીઓથી ખુશ છું. અમે 40 દિવસથી વધુ સમય સુધી ટ્રેનિંગ મેળવી હતી. ટ્રેનિંગ મેદાન અને બધી સુવિધાઓ ઉત્તમ હતી. જ્યાં સુધી ટીમનો સવાલ છે, અમારી પાસે યુવા અને સિનિયર ખેલાડીઓનું સારું મિશ્રણ છે.”
તેમણે કહ્યું હતું કે “દુર્ભાગ્યવશ કરિશ્મા (શિરવોઇકર), સંધ્યા (રંગનાથન) અને રેણુ જેવા ફોરવર્ડ્સ ખેલાડીઓ ઇજાઓને કારણે ટીમનો ભાગ નથી. પરંતુ આ ફૂટબોલનો એક ભાગ છે. અને હવે અમારી પાસે પિંક લેડીઝ કપ ટીમ (ફેબ્રુઆરીમાં) કરતાં વધુ અનુભવી ખેલાડીઓ છે.”