સ્પોર્ટસ

ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં ભારત નહીં હોય, પણ બે ભારતીયની હાજરી તો હશે જ!

દુબઈઃ ભારતની ટેસ્ટ ટીમ પહેલી વાર વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ (FINAL)માં નથી પહોંચી શકી, પણ 11મી જૂનથી લૉર્ડ્સમાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી પાંચ દિવસના આ નિર્ણાયક મુકાબલામાં બે ભારતીયની એક રીતે હાજરી હશે જ.

nitin menon javagal srinath

વાત એવી છે કે ભારતના ભૂતપૂર્વ પેસ બોલર જાવાગલ શ્રીનાથ (JAVAGAL SREENATH)ની નિયુક્તિ ટેસ્ટના વર્લ્ડ કપ માટેની ફાઇનલના મૅચ-રેફરી તરીકે થઈ છે. બીજું, નીતિન મેનન (NITIN MENON)ને આઇસીસીએ આ ફાઇનલના ચોથા અમ્પાયર તરીકે નીમ્યા છે. ઇંગ્લૅન્ડના રિચર્ડ ઇલિંગવર્થ અને ન્યૂ ઝીલૅન્ડના ક્રિસ ગૅફની લૉર્ડ્સમાં ડબ્લ્યૂટીસીની ફાઇનલના મુખ્ય બે અમ્પાયર તરીકે નીમાયા છે. રિચર્ડ કેટલબરો ટીવી અમ્પાયર (થર્ડ અમ્પાયર) તરીકેની જવાબદારી સંભાળશે. ભારત 2021 અને 2023, બન્ને ડબ્લ્યૂટીસી સીઝનની ફાઇનલમાં પહોંચ્યું હતું.

પરંતુ અનુક્રમે ન્યૂ ઝીલૅન્ડ તથા ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. સાઉથ આફ્રિકા પહેલી જ વખત ફાઇનલમાં પહોંચી ગયું છે અને હવે પાંચ દિવસના મુકાબલામાં (શક્યતઃ 15મી જૂનના દિવસે) ચૅમ્પિયનપદની ટ્રોફીના રૂપમાં આઇસીસીની ગદા ઑસ્ટ્રેલિયા જીતશે કે સાઉથ આફ્રિકા એ જોવું રહ્યું.

ભારતના નીતિન મેનન ડબ્લ્યૂટીસીમાં ડેબ્યૂ કરી રહ્યા છે. 2021માં તેઓ મેન્સ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલના ટીવી અમ્પાયર હતા. આઇસીસી-ચૅરમૅન જય શાહે મૅચ-રેફરી જાવાગલ શ્રીનાથ સહિતના અધિકારીઓની નિયુક્તિની જાહેરાત કરતા જણાવ્યું હતું કે `11મી જૂને લૉર્ડ્સમાં શરૂ થનારી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે અનુભવી અધિકારીઓની નિયુક્તિ કરવામાં અમે આનંદ અનુભવીએ છીએ. અમે જેમની નિમણૂક કરી છે તેઓ સંબંધિત પદ માટે ખૂબ જ સારી લાયકાત ધરાવે છે અને અમને વિશ્વાસ છે કે તેઓ પોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે સંભાળશે. આઇસીસી વતી હું સૌ અધિકારીઓને શુભેચ્છા આપું છું અને એવું પણ તેમને કહીશ કે તમે તમારા અસાઇનમેન્ટને એન્જૉય કરજો.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button