ઓસ્ટ્રેલિયા પ્રવાસે ભારતીય મહિલા ટીમનો ધમાકેદાર પ્રારંભ: પહેલી વન-ડેમાં 4 વિકેટે જીત

બ્રિસબેનઃ ઈન્ડિયા-એ મહિલા ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ વન-ડે મેચ બ્રિસ્બેનમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા-એ મહિલા ટીમ 47.5 ઓવરમાં 214 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઈન્ડિયા-એ મહિલા ટીમે સાત વિકેટ ગુમાવીને 42 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં યાસ્તિકા ભાટિયાએ 59 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયા હાલમાં ચાર મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.
મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની શરૂઆત સારી નહોતી. ટીમને 23 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો, જ્યારે ઓપનર તાહલિયા વિલ્સન 10 બોલમાં 7 રન કરીને આઉટ થઈ ગઈ હતી. એલિસા હીલી 14 રન કરીને પેવેલિયન પરત ફરી હતી. કેપ્ટન તાહલિયા મેકગ્રા પણ 17 બોલમાં 9 રન કરીને આઉટ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: આ ભારતીય મહિલા ક્રિકેટર તો પુરુષ ખેલાડીઓથી પણ એક ડગલું આગળ વધી, બે બ્રિટિશ ખેલાડી સાથે ટકરાઈ
એક સમયે એવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમ 200 રન પણ કરી શકશે નહીં પરંતુ મિડલ ઓર્ડર્સ બેટ્સમેન રશેલ ટ્રેનામન અને અનિકા લીરોયડ બંનેએ શાનદાર ઇનિંગ્સ રમી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચા હતી. રશેલે આ મેચમાં 62 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 51 રન કર્યા હતા. લીરોયડે 90 બોલમાં 92 રનની ઇનિંગ્સ રમી હતી. મેચમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની માત્ર 4 બેટ્સમેન બે આંકડાના સ્કોરને સ્પર્શવામાં સફળ રહ્યા હતા. ભારત તરફથી રાધા યાદવે 10 ઓવરમાં 45 રન આપીને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. તિતાસ સાધુ અને મિન્નુ મણિને 2-2 સફળતા મળી હતી.
216 રનના લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાને તેમના ઓપનિંગ બેટ્સમેનોથી શાનદાર શરૂઆત મળી હતી. યાસ્તિકા ભાટિયાએ અડધી સદી ફટકારી હતી. તે 70 બોલમાં 59 રન કરીને આઉટ થઈ ગઈ હતી. શેફાલી વર્માએ 31 બોલમાં 36 રનની ઇનિંગ રમી હતી. બંને આઉટ થયા બાદ ધારા ગુર્જરે ત્રીજા નંબરે બેટિંગ કરી અને 53 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, એક સમયે ટીમ ઈન્ડિયાના પાંચ બેટ્સમેન 155ના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા.
આ પણ વાંચો: હરમનપ્રીત સેના બની ચેઝ-માસ્ટર: ઇંગ્લૅન્ડમાં ભારતીય મહિલાઓએ પુરુષોને શરમાવ્યા
અહીંથી રાઘવી બિષ્ટ અને રાધા યાદવે સમજદારીપૂર્વક બેટિંગ કરી અને ભારતને સરળ જીત અપાવી હતી. બિષ્ટ 34 બોલમાં 25 રન કરીને અણનમ પરત ફરી હતી. રાધા યાદવે 19 રન કર્યા હતા. ભારતે 42 ઓવરમાં આ લક્ષ્યને હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી લૂસી હેમિલ્ટન અને એલા હાવર્ડે 2-2 વિકેટ લીધી હતી. સીરિઝની બીજી મેચ હવે 15 ઓગસ્ટે આ જ મેદાન પર રમાશે.