ભારતીય મહિલા હૉકી ટીમે મલેશિયાને ૬-૦થી હરાવ્યું, એશિયન ગેમ્સમાં મેળવી બીજી જીત
હાંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા હૉકી ટીમે વિજયી સફર જાળવી રાખી હતી. પુલ-એની પોતાની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ મલેશિયાને ૬-૦થી હરાવ્યું હતું.
આ જીત સાથે સવિતા પૂનિયાની કેપ્ટનશિપ હેઠળની ભારતીય મહિલા હોકી ટીમે સેમિફાઇનલમાં પહોંચવાનો પોતાનો દાવો મજબૂત કર્યો હતો. ભારતે પેનલ્ટી કોર્નર પર ડ્રેગ ફ્લિકથી બે ગોલ કર્યા, જ્યારે ચાર ફિલ્ડ ગોલ કર્યા હતા.
આ મેચમાં ભારત માટે વૈષ્ણવી, નિશા, દીપ ગ્રેસ ઇક્કા, મોનિકા, સંગીતા અને લાલરેમસિયામીએ ગોલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતે તેની પ્રથમ મેચમાં સિંગાપોરને ૧૩-૦થી હરાવ્યું હતું.
મેચની શરૂઆતમાં પણ ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. જોકે, તે પ્રયાસમાં ગોલ થઈ શક્યો નહોતો. આ પછી ભારતે મલેશિયાની ટીમ પર સતત દબાણ બનાવ્યું અને આ દરમિયાન મેચની ૭મી મિનિટે મોનિકાએ શાનદાર ગોલ કરીને ટીમનું ખાતું ખોલાવ્યું હતું. બીજી જ મિનિટમાં ભારતીય ટીમે પેનલ્ટી કોર્નર જીત્યો અને દીપ ગ્રેસ ઇક્કાએ ગોલ કર્યો હતો. આ પછી નવનીત કૌર અને વૈષ્ણવી ફાળકેએ ગોલ કર્યા હતા.
બીજા ક્વાર્ટરમાં ૨૦મી મિનિટે ભારતને સારી તક મળી, જેના પર દીપ ગોલ કરી શકી ન હતી. મેચની ૨૪મી મિનિટે સંગીતા કુમારીએ નેહાના શાનદાર પાસ પર રિવર્સ ટોમહોક મારફતે ગોલ કરીને ભારતની લીડ મજબૂત કરી હતી. આ ગોલ પછી જ મલેશિયાને પહેલો પેનલ્ટી કોર્નર મળ્યો, જેના પર તેઓ ગોલ કરી શક્યા ન હતા. બીજા ક્વાર્ટરના અંતે સ્કોર ૫-૦ રહ્યો હતો.
ભારતીય ટીમના સતત પ્રયાસો છતાં ત્રીજો ક્વાર્ટર ગોલ વિનાનો રહ્યો હતો. મલેશિયાના ખેલાડીઓએ ત્રીજા ક્વાર્ટરમાં તેમના પ્રદર્શનમાં સુધારો કર્યો હતો. લાલરેમસિયામીએ ચોથા ક્વાર્ટરમાં ગોલ કર્યો હતો. ભારત ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં પેનલ્ટી કોર્નર મેળવવામાં સફળ રહ્યું હતું.
ભારતનો આ પ્રયાસ વિપક્ષના ગોલકીપરે પોતાની સતર્કતાથી નિષ્ફળ બનાવ્યો હતો. આ પછી સતત પ્રયાસો છતાં મેચમાં કોઇ પણ ટીમ વધુ ગોલ થઇ શક્યા નહોતા અને ભારતે મેચ જીતી લીધી હતી.