સ્પોર્ટસ

ભારતીય મહિલા હૉકી ટીમના મુખ્ય કોચના પદેથી હરેન્દ્ર સિંહનું રાજીનામું

નવી દિલ્હી: ભારતીય મહિલા હૉકી ટીમના મુખ્ય કોચ હરેન્દ્ર સિંહે “વ્યક્તિગત કારણોસર” તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેલી ટીમના મુખ્ય કોચ રહેલા નેધરલેન્ડના શોર્ડ મારિન ભારતીય ટીમમાં આ પદ પર વાપસી કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અચાનક હરેન્દ્ર સિંહે હોકી ઇન્ડિયાને એક ઇમેઇલ મોકલીને જાણ કરી છે કે તેઓ તાત્કાલિક અસરથી રાજીનામું આપી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે આ એક સંપૂર્ણપણે “વ્યક્તિગત નિર્ણય” છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે મારિનની ભારતીય મહિલા હૉકી ટીમના કોચના રૂપમાં વાપસી થઈ શકે છે જેના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શન કરતા ચોથું સ્થાન મેળવ્યું હતું. મારિને ઓગસ્ટ 2021માં મહિલા હૉકી ટીમના મુખ્ય કોચ તરીકે રાજીનામું આપ્યું હતું.

અગાઉ અમેરિકામાં હૉકી ટીમના કોચ રહેલા હરેન્દ્ર સિંહે એપ્રિલ 2024માં આ પદ સંભાળ્યું હતું. તેમણે અગાઉ 2016 લખનઉ વર્લ્ડ કપ વિજેતા જૂનિયર પુરુષ હૉકી ટીમના કોચ હતા.

ભારતીય મહિલા હૉકી ટીમનું પ્રદર્શન છેલ્લા એક વર્ષમાં નિરાશાજનક રહ્યું છે. એફઆઈએચ પ્રો લીગ 2024-25માં ભારતીય ટીમે 16 મેચોમાંથી ફક્ત બે જીત નોંધાવી હતી અને આગામી સીઝન માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહી હતી.

રાજગીરમાં નવેમ્બરમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ટાઈટલ જીત્યું હતું પરંતુ ત્યાં જાપાન અને કોરિયાની બીજા સ્તરની ટીમો સામેલ હતી. એશિયા કપ ફાઇનલમાં હાર્યા બાદ ભારતીય ટીમ વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button