સ્પોર્ટસ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમ્યા, પણ મહિલા ટીમને બનાવી વર્લ્ડ ચેમ્પિયન! જાણો કોચ અમોલ મુઝુમદાર વિષે

મુંબઈ: ગઈ કાલે નવી મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો. દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતીય ટીમ પહેલીવાર ODI વર્લ્ડ ચેમ્પિયન બની. વર્લ્ડ કપની ટ્રોફી સાથે મેદાનમાં ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી, આ સમયે ટીમની આ સિદ્ધિ પાછળ મહત્વની ભૂમિકા ભજવનારા અમોલ અનિલ મુઝુમદારો પણ આંખોમાં હર્ષના આંસુ ત્યાં હાજર હતાં.

અમોલ અનિલ મુઝુમદારે ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાંના એક હતાં, ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમની કારકિર્દી શાનદાર રહી છે, જો કે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક ક્યારેય ના મળી. અમોલ મુઝુમદારનો ઉછેર મુંબઈમાં જ થયો. મુઝુમદારે શારદાશ્રમ વિદ્યામંદિરમાં દિગ્ગજ કોચ રમાકાંત આચરેકર પાસે ટ્રેનીંગ મેળવી હતી.

ડેબ્યૂ મેચમાં રેકોર્ડબ્રેક ઇનિંગ:

અમોલ મુઝુમદારની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં અમોલ મઝુમદારે સચિન તેંડુલકર સાથે ક્રિકેટ રમ્યા. અમોલ મુઝુમદારે 19 વર્ષની ઉંમરે 1993-94માં હરિયાણા સામે મુંબઈ માટે રણજી ટ્રોફી ડેબ્યૂ મેચમાં અણનમ 260 રનનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો, આ રેકોર્ડ લગભગ 25 વર્ષ ટકી રહ્યો. તેઓ બે દાયકા સુધી મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા રહ્યા, તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 48.13ની એવરેજથી 11,167 રન બનાવ્યા, જેમાં 30 સદીનો પણ સમાવેશ થાય છે. તેઓ ત્રીજા કે ચોથા ક્રમે બેટિંગ કરતા, તેણે ઘણીવાર મુંબઈની ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી.

નેશનલ ટીમમાં સ્થાન ન મળ્યું:

અમોલ મુઝુમદારની કેપ્ટનશીપ હેઠળ વર્ષ 2006-09માં મુંબઈએ તેનો 37મુ રણજી ટાઈટલ જીત્યું, તેઓ 2014 સુધી ક્રિકેટ રમતા રહ્યા. ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન છતાં તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો તક ના મળી. તેંડુલકર, દ્રવિડ, લક્ષ્મણ અને ગાંગુલી જેવા દિગ્ગજોના સમયમાં ભારતીય ટીમના મિડલ ઓર્ડરમાં કોઈ જગ્યા ન હતી.

કોચ તરીકેની કારકિર્દી:

2014માં નિવૃત્તિ બાદ તેઓ ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા, અમોલ મુઝુમદારે યુવા ક્રિકેટરોને કોચિંગ આપવાનું શરુ કર્યું. તેમણે ભારતની અંડર-19 અને અંડર-23 ટીમોને માર્ગદર્શન આપ્યું, તેઓ 2018 થી 2020 દરમિયાન IPL ટીમ રાજસ્થાન રોયલ્સના બેટિંગ કોચ રહ્યા. વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમના વચગાળાના કોચ પણ રહ્યા.

મહિલા ક્રિકેટ ટીમને મળ્યું માર્ગદર્શન:

તેમની કોચિંગ કારકિર્દીમાં સૌથી મહત્વનો વણાંક ઓક્ટોબર 2023 માં આવ્યો, BCCI એ તેમને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા. તેમના આગમન બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મજબૂતી મળી અને ટીમનું પ્રદર્શન સતત સુધરતું ગયું.

ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025માં ભારતીય ટીમ ગ્રુપ-સ્ટેજમાં ત્રણ મેચ હારી ગઈ હતી, પરંતુ આ મુશ્કેલ પરિસ્થિતિમાં તેમણે ટીમને માર્ગદર્શન પૂરું પડ્યું, ભારતીય ટીમે મજબુત પ્રદર્શન કર્યું. સેમિફાઇનલમાં સાત વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી ટીમ ફાઇનલમાં પહોંચી, ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટીમે ભારતે પહેલો વર્લ્ડ કપ અપાવ્યો.

આ પણ વાંચો…Video: મિતાલી-ઝુલનનું સપનું પૂરું થયું; હાથમાં ટ્રોફી, આંખોમાં આંસુ, મેદાન પરના ભાવુક દ્રશ્યો…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button