ભારતીય મહિલાઓના હાથે ઑસ્ટ્રેલિયાનો સૌથી ખરાબ પરાજય
વિમેન ઇન બ્લુનો 102 રનથી વિજય, 18 વર્ષે ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે મળી જીત

ન્યૂ ચંડીગઢઃ હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા ટીમે અહીં બુધવારે ઑસ્ટ્રેલિયાને સિરીઝની બીજી વન-ડેમાં 102 રનથી હરાવીને શ્રેણી 1-1ની બરાબરીમાં લાવી દીધી હતી. વન-ડે ક્રિકેટમાં રનના માર્જિનની ગણતરીએ ઑસ્ટ્રેલિયાની આ સૌથી કારમી હાર છે. બીજી તરફ, ભારતીય મહિલા ટીમ ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે વન-ડે જીત્યું હોય એવું 18 વર્ષ અને 206 દિવસ બાદ પહેલી વખત બન્યું છે.
સ્મૃતિ મંધાના (117 રન, 91 બૉલ, ચાર સિક્સર, 14 ફોર) પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાઈ હતી. ભારતે 292 રન બનાવ્યા બાદ ઑસ્ટ્રેલિયાની ટીમ એક પણ હાફ સેન્ચુરી વિના માત્ર 190 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. પેસ બોલર ક્રાંતિ ગૌડે ત્રણ અને દીપ્તિ શર્માએ બે વિકેટ લીધી હતી. બીજી ચાર બોલર (રેણુકા, સ્નેહ, અરુંધતી, રાધા યાદવ)ને એક-એક વિકેટ મળી હતી.
ભારતીય ટીમ આ પહેલાં છેક 2007માં ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે વન-ડે જીતી હતી. ત્યાર પછી હોમ-ગ્રાઉન્ડ પર ભારતનો ક્યારેય ઑસ્ટ્રેલિયા સામે વન-ડેમાં વિજય નહોતો થયો.
ઓપનર સ્મૃતિ મંધાનાએ માત્ર 77 બૉલમાં સેન્ચુરી ફટકારી હતી. તેની આ 12મી વન-ડે સદી હતી. દીપ્તિ શર્માએ 40 રન અને રિચા ઘોષે 29 રન કર્યા હતા.
ત્યાર બાદ બૅટિંગ કરનાર ઑસ્ટ્રેલિયાની ટીમ ભારતની છ બોલર સામે ઝૂકી ગઈ હતી. ટીમમાં એક પણ હાફ સેન્ચુરી નહોતી. ઍનાબેલ સધરલૅન્ડના 45 રન ટીમમાં હાઈએસ્ટ હતા.