ભારતીય મહિલા ક્રિકેટરો શનિવારે જીતશે એટલે નવો ઇતિહાસ રચાશે | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ભારતીય મહિલા ક્રિકેટરો શનિવારે જીતશે એટલે નવો ઇતિહાસ રચાશે

નવી દિલ્હીઃ મહિલાઓની વન-ડે (ODI) ફૉર્મેટમાં ઑસ્ટ્રેલિયા (AUSTRALIA) વર્લ્ડ નંબર-વન અને ભારત (INDIA) નંબર-ટૂ છે અને શનિવારે (બપોરે 1.30 વાગ્યાથી) ટોચની આ બે ટીમ વચ્ચે જે મુકાબલો છે એ ભારત માટે ઐતિહાસિક બની શકે એમ છે, કારણકે વન-ડે સિરીઝ 1-1થી બરાબરીમાં રહ્યા બાદ હવે શનિવારે ભારત જીતશે તો પહેલી જ વખત ઑસ્ટ્રેલિયા સામે ભારતે વન-ડે શ્રેણીની ટ્રોફી જીતી કહેવાશે.

વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે ભારતની મહિલા ક્રિકેટરો ક્યારેય દ્વિપક્ષી શ્રેણી નથી જીતી શકી. હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં ભારત આ મૅચ અને સિરીઝ જીતશે તો 30મી સપ્ટેમ્બરે ઘરઆંગણે (અને શ્રીલંકામાં) શરૂ થનારા વન-ડેના વર્લ્ડ કપ ભારતીય ટીમ ખૂબ પ્રોત્સાહિત થશે.

ઑસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમ સામે પહેલી વાર સિરીઝ જીતવી આસાન કામ તો નથી, પરંતુ બે દિવસ પહેલાં આ જ ટીમ સામે 102 રનના વિક્રમજનક માર્જિનથી ભારતીય ટીમે વિજય મેળવીને અલીઝા હિલીની ટીમને સંકેત આપી દીધો હતો કે હવે તેમને સિરીઝ જીતતાં કોઈ નહીં રોકી શકે. મહિલા વન-ડેમાં ઑસ્ટ્રેલિયા આ પહેલાં વન-ડેના ઇતિહાસમાં ક્યારેય આટલા તોતિંગ માર્જિનથી નહોતું હાર્યું.

ભારતીય બૅટર્સમાં ખાસ કરીને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના, ઓપનર પ્રતીકા રાવલ અને વિકેટકીપર રિચા ઘોષ બહુ સારા ફૉર્મમાં છે, જ્યારે બોલિંગમાં પેસ બોલર ક્રાંતિ ગૌડ અને સ્પિનર દીપ્તિ શર્મા ઑસ્ટ્રેલિયન બૅટર્સને ભારે પડી શકે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button