ઈંગ્લેન્ડમાં સફળતા માટે ભારતીય ટીમને પરિસ્થિતિઓ અનુકૂળ કરવી પડશે: પૂર્વ ક્રિકેટરોની સલાહ

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ક્રિકેટરોએ આજે શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમને ઇંગ્લેન્ડમાં સફળ થવા માટે પરિસ્થિતિઓને અનુકુળ થવાની સલાહ આપી હતી, જ્યારે માઈકલ વોનનું માનવું છે કે આ પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ભારત માટે ‘કંઈક ખાસ’ ની શરૂઆત હોઈ શકે છે.
રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિનના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી ભારતીય ક્રિકેટ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ઝડપી બોલર મોહમ્મદ શમીને પણ આ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો નથી.
ચેતેશ્વર પૂજારાએ કહ્યું હતું કે, “ભારતે ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં તાત્કાલિક અનુકૂળ સાધવું પડશે. ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓ અને ટીમ કોમ્બિનેશનને સમજવાને કારણે હું કહી શકું છું કે શિસ્ત, ધીરજ અને પરસ્પર સહયોગ મહત્વપૂર્ણ રહેશે.”તેણે સોની સ્પોર્ટ્સને કહ્યું હતું કે, “દરેક ખેલાડીએ ફાળો આપવો પડશે અને પડકારનો આદર કરવો પડશે. મને ખાતરી છે કે આ દરેક ખેલાડીના વિકાસ અને સફળતા માટે એક મોટી તક હશે.”
આ પણ વાંચો: BCCI એ પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમના શેડ્યુલમાં કર્યા ફેરફાર: જાણો કઈ મેચ ક્યાં રમાશે
ભૂતપૂર્વ ઝડપી બોલર આશિષ નેહરાએ કહ્યું હતું કે, “ઇંગ્લેન્ડ પ્રવાસ હંમેશા પડકારજનક હોય છે પણ મનોરંજક પણ હોય છે. પરિસ્થિતિને અનુકૂળ થવું મહત્વપૂર્ણ રહેશે અને મને ખાતરી છે કે ખેલાડીઓ તે કરી શકશે. અમારી પાસે બોલિંગમાં અનુભવ અને સ્થિરતા છે.”
ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે કહ્યું હતું કે, “ભારતની નવી ટીમ ઇંગ્લેન્ડ તરફથી મુશ્કેલ પડકારનો સામનો કરી રહી છે પરંતુ ઓલરાઉન્ડર તરીકે હું કહી શકું છું કે પરિસ્થિતિને અનુકૂળ થવું મહત્વપૂર્ણ રહેશે.” ગિલની કેપ્ટનશીપ, પંતની ઉર્જા અને ભારતના યુવા ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.”
આ પણ વાંચો: શું કુલદીપ યાદવ શેન વોર્નના રેકોર્ડને તોડશે?
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન વોને કહ્યું હતું કે 25 વર્ષીય ગિલને ટેસ્ટ કેપ્ટન બનાવવો એ એક સાહસિક નિર્ણય છે અને તે નિર્ણાયક સાબિત થઈ શકે છે. શુભમન ગિલ ભારતીય ટેસ્ટ ક્રિકેટનો નવો ચહેરો છે. ઇંગ્લેન્ડ શ્રેણી માટે તેમને કેપ્ટન બનાવવાનો નિર્ણય સાહસિક છે.
તેણે ઘણું સાબિત કરવાનું છે પરંતુ તેણે બતાવ્યું છે કે તે મોટી મેચનો ખેલાડી છે. ઋષભ પંત વાઇસ કેપ્ટન છે અને આ ટીમ પોતાને સાબિત કરવા માટે ઉત્સુક છે. ઇંગ્લેન્ડ પ્રવાસ ભારતની આગામી પેઢી માટે કંઈક ખાસ શરૂઆત હોઈ શકે છે.”