
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ (Bangladesh)માં ગયા વર્ષથી તંગ રાજકીય પરિસ્થિતિ છે અને નાગરિકોમાં અસંતોષ પણ છે એટલે એકંદરે એ દેશમાં પરિસ્થિતિ ગંભીર હોવાથી બીસીસીઆઇ (BCCI) ઑગસ્ટમાં ભારતીય ક્રિકેટરોને ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 રમવા બાંગ્લાદેશ નહીં મોકલે એવી પાકી સંભાવના છે એ જોતાં રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli)નું મેદાન પરનું કમબૅક વિલંબમાં મુકાશે અને હવે છેક ઑક્ટોબરમાં પર્થમાં રમતા જોવા મળશે.
રોહિત અને વિરાટ ટી-20 ઇન્ટરનૅશનલ તેમ જ ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે, પરંતુ વન-ડેમાં રમવાનું તેમણે ચાલુ રાખ્યું છે. તેઓ ઑગસ્ટ (August)માં બાંગ્લાદેશમાં આયોજિત વન-ડે શ્રેણીમાં રમતા જોવા મળવાના હતા, પણ હવે એ પ્રવાસ ભારતીય ખેલાડીઓની અસલામતીને ધ્યાનમાં રાખીને મુલતવી રહેશે અને છેક આવતા વર્ષે યોજાશે એવી શક્યતા છે.

19મી ઑક્ટોબરે પર્થમાં ભારતીય ક્રિકેટરોના ઑસ્ટ્રેલિયા પ્રવાસની પ્રથમ વન-ડે રમાશે અને એમાં રોહિત-વિરાટની ફટકાબાજી જોવા મળશે. એ પહેલાં, ટીમ ઇન્ડિયાની ટેસ્ટ અને ટી-20 સિરીઝ જ યોજાવાની છે.
ભારતીય ટીમે બાંગ્લાદેશમાં 17-31 ઑગસ્ટ દરમ્યાન વન-ડે અને ટી-20 શ્રેણી રમવાની હતી જે હવે મોકૂફ રહેશે. પીટીઆઇને બીસીસીઆઇના સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું કે ` ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ રદ નહીં કરાય, મોકૂફ રખાશે અને 2026માં ક્રિકેટરોને બાંગ્લાદેશ મોકલવામાં આવશે, કારણકે એ પ્રવાસની વન-ડે મૅચો વર્લ્ડ કપના ક્વૉલિફિકેશન સાથે જોડાયેલી છે.’
બીસીસીઆઇ ઇચ્છે છે કે બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી યોજાઈ જશે અને ત્યાર પછી પરિસ્થિતિ શાંત પડશે ત્યારે જ ક્રિકેટરોને ઢાકા મોકલવામાં આવશે.
આ પણ વાંચો : શંકાસ્પદ પૅકેટ મળી આવતાં ભારતીય ક્રિકેટરોને હોટેલમાં જ રહેવાની સલાહ!