પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

ગુરુવારે ફાઇનલમાં નસીબ અજમાવનાર ભારતીય શૂટર છે ધોની જેવો ‘ટિકિટ કલેક્ટર’

પૅરિસ: ઑલિમ્પિક્સમાં 50 મીટર રાઇફલ થ્રી-પૉઝિશન્સની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય શૂટર મહારાષ્ટ્રનો સ્વપ્નિલ કુસાળે ગુરુવારે ભારતને મેડલ અપાવવા દૃઢ છે. આશા રાખીએ તે કોઈ એક મેડલ અપાવશે જ. આ ઐતિહાસિક પૅરિસ-સફર પહેલાં તે જે મહાન હસ્તીની કરીઅર અને અંગત જીવનથી પ્રેરિત થયો હતો તે હસ્તી પણ કુસાળેની ઉપલબ્ધિથી ખુશ થયા વિના નહીં રહે.

વાત એવી છે કે જેમ એમએસ ધોની યુવાન વયે ટિકિટ કલેક્ટર તરીકેની નોકરી કરતો હતો એમ કુસાળે પણ ટિકિટ કલેક્ટર છે. તે 2015ની સાલથી મધ્ય રેલવેમાં નોકરી કરે છે. તેના પપ્પા અને ભાઈ જિલ્લા સ્કૂલમાં શિક્ષક છે અને તેની મમ્મી કામ્બાલવાડી ગામનાં સરપંચ છે.

કોલ્હાપુર નજીકના કામ્બાલવાડી ગામમાં રહેતો કુસાળે 29 વર્ષનો છે 2012ની સાલથી દેશી-વિદેશી સ્પર્ધાઓમાં ભાગ લે છે.

કોઈ પણ શૂટર માટે મગજને શાંત રાખવું અને હંમેશાં ધૈર્ય બનાવી રાખવું એ બે ખાસિયત હોવી અત્યંત જરૂરી છે. ધોનીની પર્સનાલિટીમાં આ બે ખૂબી સામેલ છે જ અને સ્વાભાવિક છે કે કુસાળેમાં પણ એ બે ખૂબીઓ છે.
કુસાળેએ વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન ધોની પર બનેલી બાયોપિક ઘણી વાર જોઈ છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button