એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષોની ટીમે ૫૦ મીટર રાઇફલ ઇવેન્ટમાં જીત્યો ગોલ્ડ, તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
હોંગઝોઉ: એશિયન ગેમ્સમાં ભારતીય શૂટર્સનું શાનદાર પ્રદર્શન છઠ્ઠા દિવસે પણ યથાવત્ રહ્યું હતું. પુરુષોની ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશન ટીમે વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનની ટીમમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર (૫૯૧), સ્વપ્નિલ કુસાલે (૫૯૧) અને અખિલ શ્યોરાણ (૫૮૭)નો સમાવેશ થાય છે.
ભારતીય ટીમે પુરુષોની ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન ટીમ ઇવેન્ટમાં નવા વિશ્ર્વ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો. ઐશ્ર્વર્ય, અખિલ, અને સ્વપ્નિલની ભારતીય જોડીએ ૧૭૬૯ના રેકોર્ડ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચીન ૧૭૬૩ પોઈન્ટ સાથે બીજા ક્રમે જ્યારે દક્ષિણ કોરિયાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ભારતીય ટીમે ૧૭૬૯નો સ્કોર કર્યો હતો જે ગયા વર્ષે પેરુમાં અમેરિકા દ્વારા નિર્ધારિત સ્કોર કરતાં આઠ પોઈન્ટ વધુ છે.
ચીનની લિનશુ, હાઓ અને જિયા મિંગની જોડીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સાથે જ કોરિયન ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે ૧૭૬૯ રન બનાવ્યા હતા. જ્યારે ચીને ૧૭૬૩નો સ્કોર કરીને સિલ્વર જીત્યો હતો. આ સિવાય દક્ષિણ કોરિયાએ ૧૭૪૮ના સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ જીત્યો હતો.