ભારતીય મેન્સ કમ્પાઉન્ડ આર્ચરી ટીમે ઈતિહાસ રચ્યો; વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાના ગ્વાંગજુ યોજાઈ રહેલી વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપ (World Archery Championship)માં આજે રવિવારે ભારતની મેન્સ કમ્પાઉન્ડ ટીમે ઈતિહાસ રચ્યો છે. આ ચેમ્પિયનશિપમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીતીને ભારતીય મેન્સ કમ્પાઉન્ડ ટીમે એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. વિજેતા ટીમમાં અમન સૈની, ઋષભ યાદવ અને પ્રથમેશ ભાલચંદ્ર ફુગેનો સમાવેશ થાય છે, ચેમ્પિયનશિપમાં ત્રણેયે શાનદાર પ્રદર્શન કર્યું છે.
ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયા, યુએસએ અને તુર્કીયે સામે જીત મેળવીને ભારતીય કમ્પાઉન્ડ ટીમ ફાઈનલમાં પહોંચી હતી. ફાઇનલમાં મેચમાં ભારતીય પુરુષ કમ્પાઉન્ડ ટીમે ફ્રાંસના નિકોલસ ગિરાર્ડ, જીન ફિલિપ બૌલ્ચ અને ફ્રાન્કોઇસ ડુબોઇસની બનેલી ટીમને હરાવી હતી.

ટાઈટલ મેચ રોમાંચક રહી:
જ્યારે જ્યોતિ સુરેખા વેન્નમ અને ઋષભ યાદવની મિક્સ્ડ ટીમને ફાઇનલમાં નેધરલેન્ડ્સ સામે 155-157થી હાર મળી હતી, તેમને સિલ્વર મેડલ મળ્યો. આ હાર બાદ ઋષભ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું, તેણે અમન સૈની અને પ્રથમેશ ફુગે સાથે મળીને કમ્પાઉન્ડ ઇવેન્ટની રોમાંચક ટાઇટલ મેચમાં જીત મેળવી. ભારતીય ટીમે ફ્રાન્સ સામે 235-233 થી જીત જીતીને ભારતને ગોલ્ડ મેડલ આપાવ્યો.
ફાઈનલ મેચના ત્રણ સેટ પછી સ્કોર 176-176 થી બરાબર હતો પરંતુ ત્યાર બાદના રાઉન્ડમાં ભારતીય ટીમે ફ્રાન્સના 57 સામે શાનદાર 59 નો સ્કોર કરીને ટાઈટલ જીત્યું.
ઋષભ યાદવ માટે આજનો દિવસ ખાસ રહ્યો, તેણે જ્યોતિ સુરેખા વેન્નમ સાથે મળીને કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પણ જીત્યો.
આપણ વાંચો: T20 એશિયા કપ 2025માં ભારતીય ટીમનું શેડ્યુલ; આ તારીખે પાકિસ્તાન સામે ટક્કર…