પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટરો પર અનેક વાર હુમલા થઈ ચૂક્યા છે, જાણો ક્યારે કોના પર અટૅક થયેલો…
આવતા વર્ષે ટીમ ઇન્ડિયાને લાહોર ન મોકલવાનો બીસીસીઆઇનો નિર્ણય જરાય આશ્ર્ચર્યજનક નથી

નવી દિલ્હી: 2008ના મુંબઈ ટેરર-અટૅક બાદ ભારતે ક્રિકેટ ટીમને ક્યારેય પાકિસ્તાન નથી મોકલી, પાકિસ્તાને સરહદ પારથી આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાનું અવિરતપણે ચાલુ રાખ્યું છે અને ભારતમાં બૉમ્બ-બ્લાસ્ટ પણ કરાવ્યા છે.
આ સ્થિતિમાં પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સમયાંતરે ભારતીય ક્રિકેટરોને પોતાને ત્યાં રમવા બોલાવતું રહ્યું છે અને ભારતે સાફ શબ્દોમાં ઇનકાર કર્યો છે. બે દિવસ પહેલાં પણ એવું જ બન્યું. 2025ની ચૅમ્પિયન્સ ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનમાં રમાવાની છે, પરંતુ ભારતે પોતાની ટીમને પાકિસ્તાન ન મોકલવાની સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી છે.
આ સંજોગોમાં આપણે અહીં જાણીએ કે નફ્ફટ પાકિસ્તાનને ત્યાં ભૂતકાળમાં (2008ની સાલ પહેલાં) ભારતે પોતાની ટીમને મોકલી હતી ત્યારે મોટા ભાગની ટૂરમાં ભારતીય ખેલાડીઓ પર કોઈને કોઈ રીતે હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Women Cricket: સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે આવતીકાલે છેલ્લી ટી-20 મેચ, ભારત માટે ‘કરો યા મરોનો મુકાબલો’
ઉલ્લેખનીય છે કે 2009માં લાહોરમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમની બસ પર આતંકવાદી હુમલો થયો ત્યાર પછી વર્ષો સુધી કોઈ પણ દેશે પોતાના ખેલાડીઓને રમવા માટે પાકિસ્તાન નહોતા મોકલ્યા. ભારત તો હજી પણ નથી મોકલતું અને આવનારાં વર્ષો સુધી મોકલશે પણ નહીં.
1955થી 2008 દરમ્યાન ભારતીય ખેલાડીઓના પાકિસ્તાન ખાતે કુલ 15 પ્રવાસ થયા હતા જેમાં છ બનાવ એવા બન્યા જેમાં ભારતીય ક્રિકેટર પર અટૅક કરવામાં આવ્યો હતો.
નફ્ફટ પાકિસ્તાનની ધરતી પર કયા ભારતીયો પર થયા હુમલા?
(1) ક્રિષ્ણામાચારી શ્રીકાંત પર હુમલો: ભારતીય ક્રિકેટ ટીમ 1989-’90માં ટેસ્ટ-સિરીઝ રમવા પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. એ ટૂર દરમ્યાન ઓપનિંગ બૅટર અને કૅપ્ટન ક્રિષ્ણામાચારી શ્રીકાંત પર હુમલો થયો હતો. એક ધાર્મિક સંગઠન સાથે જોડાયેલા શખસે મેદાન પર તેમને મુક્કો માર્યો હતો. સંજય માંજરેકરે પોતાના પુસ્તકમાં એ ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે એ અટૅકમાં પાકિસ્તાની સમર્થકે શ્રીકાંતની જર્સી પણ ફાડી હતી.
(2) અઝહરુદ્દીન પર અટૅક: 1989-’90ની ટૂર કે જેમાં શ્રીકાંત પર હુમલો થયો હતો એ જ પ્રવાસમાં મોહમ્મદ અઝહરુદ્દીનને લોખંડની વસ્તુથી મારવામાં આવ્યો હતો. એ ઘટનાનો ખુલાસો ભૂતપૂર્વ ક્રિકેટર અને એ ટૂર પરના ટીમ ઇન્ડિયાના મૅનેજર ચંદુ બોરડેએ કર્યો હતો.
આ પણ વાંચો: Pakistan cricket team: 25 ડોલર આપો અને ક્રિકેટરને મળો! પાકિસ્તાની ટીમના પ્રાઈવેટ ડીનર અંગે વિવાદ
(3) ભારતીય ક્રિકેટરો પર પથ્થરથી હુમલો: 1990માં પાકિસ્તાનમાં શ્રીકાંત તથા અઝહરુદ્દીન પર અટૅક થયો હોવા છતાં તેમ જ 1993માં મુંબઈમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટ કરાવ્યા હોવા છતાં 1997માં ભારતે સચિન તેન્ડુલકરના સુકાનમાં પોતાની ટીમને રમવા પાકિસ્તાન મોકલી હતી. જોકે ત્યાંના બેશરમ તોફાનીઓનો ત્યારે અભિગમ જરાય બદલાયો નહોતો. ભારતના ચાર ખેલાડીઓ પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના એક ચોક્કસ સમુદાયના લોકો અને વિદ્યાર્થીઓએ ભારતીય ખેલાડીઓને પથ્થરથી નિશાન બનાવ્યા હતા. હુમલામાં નિશાન બનેલા પ્લેયર્સમાં સૌરવ ગાંગુલી, નીલેશ કુલકર્ણી, ઍબી કુરુવિલા અને દેબાશિષ મોહન્તીનો સમાવેશ હતો. કૅપ્ટન સચિને ત્યારે સુરક્ષાના કારણસર પોતાની ટીમને મેદાન પર લઈ જવાનો ઇનકાર કર્યો હતો.
(4) સચિન પર પથ્થર ફેંકાયા: 2006ના પ્રવાસમાં ભારતીય ખેલાડીઓ ટેસ્ટ અને વન-ડે સિરીઝ રમવાના હતા. એ ટૂરમાં કરાચી-ટેસ્ટ દરમ્યાન પાકિસ્તાની સમર્થકોએ સચિનને પથ્થરથી ટાર્ગેટ બનાવ્યો હતો.
(5) ઇરફાન પઠાણને નિશાન બનાવાયો: 2006ના પ્રવાસ દરમ્યાન પોતાના પર પાકિસ્તાન ટીમ તરફી કેટલાક લોકોએ હુમલો કર્યો હોવાનો ઉલ્લેખ ઇરફાન પઠાણ એક ઇન્ટરવ્યૂમાં કરી ચૂક્યો છે. ઇરફાને કહ્યું છે કે ‘પ્રથમ વન-ડે દરમ્યાન હું મિડ-વિકેટ પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે મારા પર ધાતુની કોઈ અણીદાર ચીજ ફેંકવામાં આવી હતી.’
(6) અજિત આગરકર પર અટૅક: ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજિત આગરકર (જેઓ હાલમાં ભારતીય ટીમના ચીફ સિલેક્ટર છે) પણ 2006માં પાકિસ્તાનની ટૂર પર ગયેલી ભારતીય ટીમમાં સામેલ હતા. ત્યારે રાવલપિંડીની વન-ડે દરમ્યાન તેમના પર એક નાની વજનદાર ચીજથી હુમલો કરવામાં આવ્યો હતો. આગરકર ત્યારે થર્ડ-મૅન પર ફીલ્ડિંગમાં હતા અને હુમલો થતાં એ તરફ તેમણે અમ્પાયરનું ધ્યાન પણ દોર્યું હતું. થોડી વાર બાદ આગરકર પર ફરી એ જ રીતે હુમલો કરાયો હતો.