ભારતીય ક્રિકેટરો ઑસ્ટ્રેલિયાની પ્રૅક્ટિસ વન-ડે માં જીત્યા પછી પણ રમતા રહ્યા, જાણો શા માટે…
કૅનબેરાઃ રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતે અહીં રવિવારે પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવન સામેની પ્રૅક્ટિસ વન-ડે મૅચમાં છ આસાનીથી વિજય મેળવી લીધો હતો. જોકે ટીમ ઇન્ડિયાના આ વિજય સાથે મૅચ સમાપ્ત થઈ ત્યાર પછી પણ ભારતીય બૅટર્સે રમવાનું ચાલુ રાખ્યું હતું. આનું કારણ નવાઈ પમાડે એવું અને રસપ્રદ છે.
આ પણ વાંચો : ‘…એક-બે મેચમાં સાબિત થઇ જશે’, અજય જાડેજાએ ગૌતમ ગંભીર વિષે કહી મહત્વની વાત
વાત એવી છે કે ટીમ ઇન્ડિયાને જીતવા માટે 50 ઓવરમાં 241 રન બનાવવાનો લક્ષ્યાંક મળ્યો હતો. તેમણે 43મી ઓવરના પાંચમા બૉલમાં ચાર વિકેટના ભોગે ટાર્ગેટ મેળવી લીધો હતો, પરંતુ આ પ્રૅક્ટિસ-મૅચ હોવાથી ભારતીયોએ વધુ બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને એ સંબંધમાં અમ્પાયરોને જાણ કરી હતી.
છેવટે 46મી ઓવર પૂરી થઈ ત્યારે અમ્પાયરે રમત પૂરી થઈ હોવાની જાહેરાત કરીને બેલ્સ નીચે પાડી દીધી હતી. 43મી ઓવરમાં જ ભારતે ચાર વિકેટે 241 રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો, પણ ત્યાર પછી પણ બૅટિંગ ચાલુ રખાઈ હતી અને છેવટે સ્કોર-કાર્ડમાં ભારતનો સ્કોર 46 ઓવરમાં 257/5′ લખાયો હતો.
નવાઈની વાત એ છે કે ટીમ ઇન્ડિયાએ નિર્ધારિત 241 રન બનાવ્યા ત્યારે વૉશિંગ્ટન સુંદર અને સરફરાઝ ખાન અણનમ હતા, પરંતુ રમત લંબાવવામાં આવ્યા બાદ પહેલી જ ઓવરમાં (44મી ઓવરમાં) વિકેટ ગુમાવી દીધી હતી. તે ફક્ત એક રન બનાવી શક્યો હતો. ત્યાર પછી વૉશિંગ્ટન સુંદર અને દેવદત્ત પડિક્કલ છેક સુધી ક્રીઝ પર ટકી રહ્યા હતા. વૉશિંગ્ટન 42 રને અને પડિક્કલ ચાર રને અણનમ રહ્યો હતો. એ પહેલાં, સવારે પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવનની ટીમ બૅટિંગ મળ્યા પછી 43.2 ઓવરમાં 240 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.
એમાં ઓપનર સૅમ કૉન્ટાસ (107 રન, 97 બૉલ, એક સિક્સર, 14 ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. હૅનો જેકબ્સે 61 રન અને જૅક ક્લેટને 40 રન બનાવ્યા હતા. ભારતીય ટીમનું સુકાન રોહિતે અને પીએમ ઇલેવનનું નેતૃત્ત્વ જૅક એડવર્ડ્સે સંભાળ્યું હતું. આ પ્રૅક્ટિસ-મૅચ હોવાથી એમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે આવેલા લગભગ બધા (18) ખેલાડીઓ રમ્યા હતા. ભારત વતી સાત બોલરે બોલિંગ કરી હતી. ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ 44 રનમાં ચાર, આકાશ દીપે 58 રનમાં બે વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, વૉશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી. એકમાત્ર નીતિશ કુમાર રેડ્ડીને વિકેટ નહોતી મળી.
ભારતને જિતાડવામાં જે બૅટર્સનું સૌથી મોટું યોગદાન હતું એમાં શુભમન ગિલ (62 બૉલમાં 50 રન), યશસ્વી જયસ્વાલ (59 બૉલમાં 45 રન), નીતિશ કુમાર રેડ્ડી (32 બૉલમાં 42 રન), વૉશિંગ્ટન સુંદર (36 બૉલમાં 42 અણનમ), રવીન્દ્ર જાડેજા (31 બૉલમાં 27 રન), કેએલ રાહુલ (44 બૉલમાં 27 રન) તેમ જમિસ્ટર એક્સ્ટ્રા’ (16 રન)નો સમાવેશ હતો. ઑસ્ટ્રેલિયા વતી કુલ નવ બોલરે બોલિંગ કરી હતી જેમાંથી ચાર્લી ઍન્ડરસને સૌથી વધુ બે વિકેટ લીધી હતી. લૉઇડ પોપ, મૅટ રેન્શૉ અને જૅક ક્લેટનને એક-એક વિકેટ મળી હતી.
આ પણ વાંચો : એક કરોડવાળો 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી એક જ રનમાં આઉટ!
પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવનના ઓપનર કૉન્ટાસને શાનદાર સેન્ચુરી બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.