ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા જવા રવાના થઇ; વિરાટ-રોહિતને જોવા એરપોર્ટ પર ચાહકોની ભીડ ઉમટી

નવી દિલ્હી: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમનું શેડ્યુલ આગામી કેટલાક મહિનાઓ દરમિયાન સતત વ્યસ્ત રહેવાનું છે, ગઈ કાલે મંગળવારે વેસ્ટ ઇન્ડિઝ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝ સમાપ્ત થઇ હતી અને તેના માત્ર 24 કલાકની અંદર જ ભારતીય ટીમના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ હતી. ખેલાડીઓ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા છે. આ દરમિયાન એરપોર્ટની બહાર ચાહકો ખેલાડીઓની એક ઝલક માટે ઉમટી પડ્યા હતાં.
સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે, જેમાં ભારતીય ટીમના ખેલાડીઓ એરપોર્ટની અંદર જતા જોવા મળે છે. ખેલાડીઓને જોવા માટે ચાહકોની ભીડ ઉમટી પડી હતી, ચાહકોમાં સૌથી વધુ ઉત્સાહ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર ખેલાડીની એક ઝલક મેળવવા માટે જોવા મળ્યો હતો, બંને દિગ્ગજ ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફી બાદ પછી પહેલી વાર ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા જોવા મળશે.
માત્ર 5 દિવસમાં જ ટીમ ફરી એક્શનમાં જોવા મળશે:
ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન ત્રણ ODI અને પાંચ T20I મેચની સિરીઝ રમશે. ગઈ કાલે 14મી તારીખે દિલ્હીમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચ સમાપ્ત થઈ હતી, તેના માત્ર 5 દિવસ પછી ટીમને લગભગ 8000 કિલોમીટર દૂર પર્થમાં ઓસ્ટ્રેલીયા સામે ODI મેચ રમાવા ઉતરવાનું છે.
ODI સિરીઝની પહેલી મેચ 19 ઓક્ટોબરના રોજ રમાશે, હાલ ODI ટીમ અને સાથે T20I ટીમમાં પણ સામેલ એવા ખેલાડીઓ ઓસ્ટ્રેલીયા માટે રવાના થયા છે. માત્ર T20I ટીમમાં સામેલ ખેલાડી અઠવાડિયા બાદ ઓસ્ટ્રેલીયા પહોંચશે.
શુભમન ગિલ પર સૌથી વધુ પ્રેશર:
શુભમન ગિલ પર સૌથી વધુ વર્ક લોડ રહેશે. ટેસ્ટ અને ODI ફોર્મેટમાં તે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે, જ્યારે T20I ફોર્મેટમાં વાઈસ-કેપ્ટનની ભૂમિકા નિભાવી રહ્યો છે. ત્રણેય ફોર્મેટમાં ગીલ ભારતીય ટીમનો મહત્વનો બેટર છે, આથી પરફોર્મન્સનું પણ પ્રેશર તેના માથે રહેશે. ઓસ્ટ્રેલીયાની ટુર તેના માટે મહત્વની રહેશે.
આપણ વાંચો: ભારત-પાકિસ્તાનનો ` હૅન્ડશેક વિવાદ’ પૂરો થયો? જાણો કેવી રીતે