હરભજનનું ડબલ સ્ટાન્ડર્ડ: અબુ ધાબીમાં એવું તે શું કર્યું કે સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો?

અબુ ધાબી: ભારતના ભૂતપૂર્વ ઑફ-સ્પિનર અને દેશને અનેક મૅચો જિતાડનાર હરભજન સિંહે થોડા મહિના પહેલાં લેજન્ડ્સ લીગમાં પાકિસ્તાન સામેની મૅચનો બહિષ્કાર કરવામાં આગેવાની લીધી હતી, પરંતુ બુધવારે તેણે અબુ ધાબીની એક મૅચ પછી પાકિસ્તાની ક્રિકેટર સાથે હાથ મિલાવ્યા એ અસંખ્ય ભારતીય ક્રિકેટ પ્રેમીઓને જરાય નથી ગમ્યું.
અબુ ધાબી (Abu Dhabi) ટી-10 ટૂર્નામેન્ટમાં હરભજન અસ્પિન સ્ટેલિયન્સ વતી અને પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહનવાઝ દહાની નોર્ધર્ન વૉરિયર્સ વતી રમે છે.
બુધવારે બંને ટીમ વચ્ચે 10-10 ઓવરની રોમાંચક મૅચ રમાઈ હતી જેમાં નોર્ધર્ન વૉરિયર્સનો ચાર રનથી વિજય થયો હતો. હરભજન સિંહ મૅચના છેલ્લા બૉલ પર પોતાના એક રન પર રનઆઉટ થયો એ સાથે અસ્પિન સ્ટેલિયન્સનો પરાજય થયો હતો.
જોકે મૅચ બાદ ખેલાડીઓ પાછા આવી રહ્યા હતા ત્યારે હરભજન સિંહ (Harbhajan singh) હસતા ચહેરે પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહનવાઝ દહાની સાથે હાથ મિલાવતો જોવા મળ્યો હતો. એ વિવાદાસ્પદ હૅન્ડશેકનો વીડિયો વાઇરલ થયો છે.
ભજજીને એ મૅચમાં એક ઓવર બોલિંગ મળી હતી જેમાં આઠ રનના ખર્ચે તેને વિકેટ નહોતી મળી. છેલ્લી ઓવર દહાની (Dahani)એ કરી હતી જેમાં તેણે બે વિકેટ લીધી હતી અને આઠ રન ડિફેન્ડ કર્યાં હતા.
હરભજન સિંહે લેજન્ડ્સ લીગમાં પાકિસ્તાન સામે રમવાનો વિરોધ કર્યો અને હવે પાકિસ્તાની પ્લેયર સાથે હસતા ચહેરે હાથ મિલાવે છે જે ભારતીય ક્રિકેટ ફેન્સને નથી ગમ્યું. એથર નામનો એક ક્રિકેટ પ્રેમી એક્સ પર વીડિયો સાથેની સ્ટોરીમાં લખે છે, ‘ અબ કહાં ગઈ દેશભક્તિ ઇન્ડિયન્સ કી.’



