દીપ્તિ શર્માએ એવો વિશ્વવિક્રમ કર્યો જે ક્યારેય પુરુષોની વન-ડે ક્રિકેટમાં પણ નથી થયો!

નવી મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટની નંબર-વન ઑલરાઉન્ડર તથા વર્લ્ડ કપની પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ દીપ્તિ શર્માએ આ વિશ્વ કપમાં હાઈએસ્ટ બાવીસ વિકેટ, કુલ 215 રન અને ત્રણ કૅચ સાથે તમામ ખેલાડીઓમાં સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડ પર્ફોર્મ કર્યું એના કરતાં પણ વધુ મોટી સિદ્ધિ તેણે રવિવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામેની ફાઈનલમાં મેળવી હતી. તેની આવી ઉપલબ્ધિ પુરુષોની દાયકાઓ જૂની વન-ડે ક્રિકેટમાં પણ ક્યારેય કોઈએ નથી મેળવી.
ભારતે આ ફાઈનલમાં સાઉથ આફ્રિકાને બાવન રનથી હરાવીને પહેલી જ વખત વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી હતી. બીજી નવેમ્બર, 2025નો દિવસ ભારતીય ક્રિકેટમાં સુવર્ણ દિન તરીકે ઓળખાશે.
મૂળ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરની 28 વર્ષીય દીપ્તિ શર્માએ ફાઈનલ (Final)માં પહેલાં તો 58 બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોરની મદદથી 58 રન કર્યા હતા અને ત્યાર બાદ તેણે 39 રનમાં પાંચ વિકેટ લીધી હતી.
પુરુષો અને મહિલાઓ, બંને વર્ગની વન-ડે ક્રિકેટમાં આ અગાઉ ક્યારેય કોઈ ખેલાડીએ વન-ડે (ODI)ની એક નૉકઆઉટ મૅચમાં હાફ સેન્ચુરી અને પાંચ વિકેટની ડબલ સિદ્ધિ નહોતી મેળવી. એ અસાધારણ ઉપલબ્ધિ રવિવારે દીપ્તિ શર્મા (Deepti Sharma)એ હાંસલ કરી હતી.

બાવન વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે…
એટલું જ નહીં, મહિલાઓના વન-ડે વર્લ્ડ કપના બાવન વર્ષના ઇતિહાસમાં એક મૅચમાં હાફ સેન્ચુરી અને પાંચ વિકેટની સિદ્ધિ મેળવનારી પણ તે પહેલી જ પ્લેયર બની છે.
200-પ્લસ રન અને 20-પ્લસ વિકેટ
એક વર્લ્ડ કપમાં તે 200-પ્લસ રન અને 20-પ્લસ વિકેટ લેનારી પણ જગતની પહેલી જ ખેલાડી બની છે. તેણે આ વર્લ્ડ કપમાં ત્રણ હાફ સેન્ચુરી ફટકારી હતી અને બે વખત તેણે ચાર કે ચારથી વધુ વિકેટ લીધી હતી.

દીપ્તિનો આ પણ એક અનોખો વિશ્વવિક્રમ
દીપ્તિ શર્મા મહિલાઓની વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પાંચ વિકેટ લેનારી વિશ્વની બીજી જ ખેલાડી બની છે. આ પહેલાં 2017ના વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત સામે ઇંગ્લૅન્ડની અન્યા શ્રબસોલે 46 રનમાં છ વિકેટ લીધી હતી. ભારત છેલ્લે એ વર્લ્ડ કપની ફાઈનલ હાર્યું હતું અને ત્યાર પછી આ વખતે પહેલી વખત ફરી ફાઈનલમાં પહોંચ્યું અને ટાઈટલ જીતી જ લીધું. શ્રબસોલ પેસ બોલર હતી. એ જોતાં દીપ્તિ શર્મા વર્લ્ડ કપની ફાઈનલમાં પાંચ વિકેટ લેનાર વિશ્વની પહેલી જ સ્પિનર બની છે.
આ પણ વાંચો…Video: મિતાલી-ઝુલનનું સપનું પૂરું થયું; હાથમાં ટ્રોફી, આંખોમાં આંસુ, મેદાન પરના ભાવુક દ્રશ્યો…



