
નવી મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્ષ 2005 અને 2017ના ICC મહિલા ODI વર્લ્ડ કપની ફાઈનલ સુધી પહોંચી હતી પણ ટ્રોફી જીતી શકી ન હતી, પરંતુ ગઈ કાલે મહિલા ODI વર્લ્ડ કપ જીતવાનું દેશનું સપનું હરમનપ્રીત કૌર અને ટીમે પૂરું કર્યું, જેને કારણે દેશભરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. ગઈ રાતે DY પાટીલ સ્ટેડિયમમાં ઉજવણી દરમિયાન મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ ખેલાડીઓની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી, મેદાન પર ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં.
ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે વિકટરી લેપ દરમિયાન હરમનપ્રીત કૌર અને ટીમે વર્લ્ડ કપ મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીને ટ્રોફી સોંપી હતી, આ દરમિયાન બંને પૂર્વ ક્રિકેટર્સના ચહેરા પર ગર્વની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી, જે કામ તેઓ પૂરું ન કરી શક્યા એ હરમનપ્રીત કૌર અને ટીમે કરી બાતાવ્યું.
મિતાલીની આંખો આંસુથી છલકાઈ ઉઠી:
મિતાલી રાજની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલીવાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી હતી. ગત રાત્રે ઉજવણી દરમિયાન ભાવુક થઇ ગયેલી મિતાલી રાજ માત્ર એટલું જ કહી શકી કે, “થેંક યૂક, હું ખૂબ ખુશ છું” .
મિતાલીને ટ્રોફી ઉપાડી ત્યારે તેની આંખો આંસુથું છલકાઈ ઉઠી. હરમન, સ્મૃતિ અને દીપ્તિએ મિતાલીની કેપ્ટનશીપ હેઠળ ડેબ્યૂ કર્યું હતું, હવે તેમણે ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી છે.
ઝુલન ખુશીથી રડી પડી:
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ દિગ્ગજ બોલર ઝુલન ગોસ્વામીએ પણ ઉજવણી દરમિયાન ભાવુક થઇ ગઈ હતી. ઝુલન ગોસ્વામી હરમનપ્રીતને લાંબા સમય સુધી ગળે લગાવીને રાખીએ અને ખુશીથી રડી પડી. ટ્રોફી ઉપાડીને તેણે સ્મૃતિ મંધાનાને ગળે લગાવી અને પછી રિચા ઘોષ સાથે વાત કરી.



