મહિલા વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાની ટીમને 88 રનથી કચડી નાખી...
Top Newsસ્પોર્ટસ

મહિલા વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાની ટીમને 88 રનથી કચડી નાખી…

કોલંબો: ભારતની મહિલા ક્રિકેટરોએ અહીં રવિવારે વન-ડે વર્લ્ડ કપની લીગ મૅચમાં પાકિસ્તાન (Pakistan)ને 88 રનથી હરાવીને પોઇન્ટ્સ ટેબલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. ભારતીય ખેલાડીઓની ફીલ્ડિંગ ખરાબ ન હોત તો ભારતને વહેલો વિજય મળી ગયો હોત. ખાસ કરીને વિકેટકીપર રિચા ઘોષે ત્રણ કૅચ છોડ્યા હતા.

પાકિસ્તાનની સિડ્રા અમીને 106 બૉલમાં સૌથી વધુ 81 રન કર્યા હતા. ક્રાંતિ ગૌડ (Kranti Goud) અને દીપ્તિ શર્માએ ત્રણ-ત્રણ વિકેટ તેમ જ સ્નેહ રાણાએ બે વિકેટ લીધી હતી. બે ખેલાડી રનઆઉટ થઈ હતી. પાકિસ્તાનની ટીમ 248 રનના ટાર્ગેટ સામે 159 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

પાકિસ્તાનની બૅટર્સ ભારતીય બોલર્સના પ્રેશરમાં આવીને અત્યંત ધીમું રમી હતી. 248 રનના લક્ષ્યાંક સામે પહેલી 15 ઓવરમાં તેઓ માંડ 30 રન કરી શકી હતી અને એટલા નાના સ્કોરમાં તેમની ત્રણ વિકેટ પડી ચૂકી હતી. સામાન્ય રીતે ટેસ્ટ મૅચમાં કરવામાં આવતી હોય એનાથી પણ સ્લો બૅટિંગ પાકિસ્તાની બેટર્સે કરી હતી.

સ્ટેડિયમમાં બેઠેલી પાકિસ્તાની ક્રિકેટરોની ઘણી ચાહકો પણ તેમની રમત જોઈને કંટાળી ગઈ હતી. પાકિસ્તાની બૅટરના એક-બે રનના સામાન્ય સ્કોરિંગ શૉટમાં તેમની ચાહકો બૂમો પાડીને ખુશી વ્યક્ત કરી લેતી હતી. રન દોડવામાં ઘણી બૅટર્સ વચ્ચે તાલમેલ પણ નહોતો.

એ પહેલાં, ભારતીય (Indian) ટીમે બૅટિંગ કરવાનું આમંત્રણ મળ્યા પછી 50 ઓવરમાં 247 રન કર્યા હતા. ભારત વતી એક પણ હાફ સેન્ચુરી નહોતી થઈ, પરંતુ નવ બૅટરે નાના-મોટા યોગદાન આપ્યા હતા: હર્લીન દેઓલ (46), રિચા ઘોષ (અણનમ 35), જેમાઈમા (32), પ્રતીકા રાવલ (31), દીપ્તિ શર્મા (25), સ્મૃતિ (23), હરમનપ્રીત (19), સ્નેહ રાણા (20), ક્રાંતિ ગૌડ (8). પાકિસ્તાન વતી પેસબોલર ડાયના બેગે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

આ પણ વાંચો…IND vs PAK Women’s Match: મેચ રેફરીએ પાકિસ્તાનને ટોસ જીતાડ્યો? વીડિયો વાયરલ થતા વિવાદ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button