ઑસ્ટ્રેલિયાની ઓપનરનો કૅચ છોડવાનું ભારતને ભારે પડ્યું, હરમનની ટીમ આઠ વિકેટે પરાજિત…

ન્યૂ ચંડીગઢઃ હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા ક્રિકેટરો અહીં ઑસ્ટ્રેલિયા (AUSTRALIA) સામેની ટીમ સામે વન-ડે શ્રેણીની પ્રથમ મૅચમાં આઠ વિકેટે પરાજિત થઈ હતી. ભારતીય (India) બૅટર્સની ત્રણ હાફ સેન્ચુરી એળે ગઈ હતી.
ઑસ્ટ્રેલિયાને ઓપનર ફૉબે લિચફીલ્ડે (88 રન, 80 બૉલ, 14 ફોર) વિજય અપાવ્યો હતો. યોગાનુયોગ, તે શૂન્ય પર હતી ત્યારે તેનો કૅચ છૂટ્યો હતો અને એ જીવતદાન જ ભારતને ભારે પડ્યું.
અલીઝા હિલી (Alyssa Healey)ના સુકાનમાં ઑસ્ટ્રેલિયાની ટીમે 282 રનનો લક્ષ્યાંક 44.1 ઓવરમાં બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. પીઢ બૅટર બેથ મૂની 77 રને અને ઍનાબેલ સધરલૅન્ડ 54 રને અણનમ રહી હતી.
ભારતીય બોલર્સમાં માત્ર ક્રાંતિ ગૌડ અને સ્નેહ રાણાને એક-એક વિકેટ મળી હતી, જ્યારે દીપ્તિ શર્મા અને શ્રી ચરનીની બોલિંગમાં અનુક્રમે 59 અને 55 રન થયા હતા અને તેમને વિકેટ નહોતી મળી.
એ પહેલાં, ભારતે સાત વિકેટે જે 281 રન કર્યા હતા એમાં ઓપનર પ્રતીકા રાવલ (64 રન), સ્મૃતિ મંધાના (58 રન) અને હર્લીન દેઓલ (54 રન)ની હાફ સેન્ચુરી સામેલ હતી. જોકે તેમના યોગદાન એળે ગયા હતા.
આ પણ વાંચો…સ્પોર્ટ્સ વુમન – સ્મૃતિ મંધાના: કરોડો ક્રિકેટપ્રેમીઓના સ્મૃતિપટ પર અંકિત થઈ ગઈ છે!