નાગપુરઃ ભારતે અહીં આજે ઇંગ્લૅન્ડને વન-ડે સિરીઝના પ્રથમ મુકાબલામાં ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી હરાવીને વિજયી શ્રીગણેશ કર્યા હતા. ભારત ત્રણ મૅચની શ્રેણીમાં 1-0થી આગળ છે. ઇંગ્લૅન્ડે બૅટિંગ લીધા બાદ 248 રન બનાવ્યા હતા. ભારતે જવાબમાં 38.4 ઓવરમાં છ વિકેટે 251 રન બનાવીને (68 બૉલ બાકી રાખીને) ચાર વિકેટના માર્જિનથી જીત મેળવી લીધી હતી.
તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની ટી-20 સિરીઝમાં ભારતે જીત સાથે શુભારંભ કર્યો હતો. પહેલી બે મૅચ જીતવાની સાથે ભારતે 2-0થી સરસાઈ લીધી હતી અને ત્રીજી મૅચમાં પરાજિત થયા પછી છેવટે શ્રેણી 4-1થી જીતી લીધી હતી.
આજની જીત પાંચ ખેલાડીના પર્ફોર્મન્સને કારણે શક્ય બની હતી. પહેલી જ વન-ડે રમનાર ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ 53 રનમાં ત્રણ વિકેટ તથા અનુભવી લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાએ 26 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. બૅટિંગમાં ભારતને ખાસ કરીને ત્રણ બૅટરના પર્ફોર્મન્સે વિજયના દ્વાર સુધી પહોંચાડ્યું હતું. શુભમન ગિલ (87 રન, 96 બૉલ, 14 ફોર), શ્રેયસ ઐયર (59 રન, 36 બૉલ, બે સિક્સર, નવ ફોર) અને પ્રમોટ કરીને પાંચમા ક્રમે બૅટિંગમાં મોકલવામાં આવેલા અક્ષર પટેલ (બાવન રન, 47 બૉલ, એક સિક્સર, છ ફોર)ના પર્ફોર્મન્સે ઇંગ્લૅન્ડની આશા પર પાણી ફેરવી દીધું હતું.
ભારતીય ટીમ માટે 249 રનનો લક્ષ્યાંક બહુ મોટો નહોતો અને ગિલ-શ્રેયસ વચ્ચે ત્રીજી વિકેટ માટે 64 બૉલમાં 94 રનની ભાગીદારી થતાં પરાજયનો ડર ઘણો ઓછો થઈ ગયો હતો. 34મી ઓવરમાં અક્ષરની, 36મી ઓવરમાં રાહુલની અને 37મી ઓવરમાં ગિલની વિકેટ પડતાં ભારત તરફી પ્રેક્ષકો અને ટીવી-દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, પરંતુ હાર્દિક પંડ્યા (નવ અણનમ, છ બૉલ, એક સિક્સર) અને જાડેજા (12 અણનમ, 10 બૉલ, બે ફોર)ની જોડીએ ટીમને નુકસાન થતું રોક્યું હતું અને તેઓ વિજય અપાવીને રહ્યા હતા.
ટીમ ઇન્ડિયામાં રિષભ પંતને બદલે રાહુલને રમવાનો મોકો અપાયો હતો. ફીલ્ડિંગમાં તેણે બે કૅચ, એક સ્ટમ્પિંગ અને એક રનઆઉટ સહિત ચાર વિકેટમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પણ બૅટિંગમાં ફક્ત બે રન બનાવતાં નિષ્ફળ ગયો હતો.
ઈજાગ્રસ્ત વિરાટ કોહલીના સ્થાને રમવાનો મોકો મળતાં વન-ડેમાં ડેબ્યૂ કરનાર યશસ્વી જયસ્વાલે બાવીસ બૉલમાં 15 રન અને કૅપ્ટન રોહિત શર્માએ ફક્ત બે રન બનાવ્યા હતા.
એ પહેલાં, ઇંગ્લૅન્ડે બૅટિંગ લીધા પછી સારી શરૂઆત બાદ ધબડકો જોયો હતો, પણ છેવટે જૉસ બટલરના સુકાનમાં આ ટીમ 50 ઓવરમાં 248 રનનો સન્માનજનક સ્કોર નોંધાવવામાં સફળ થઈ હતી. અઢીસો રન જેટલા ટોટલમાં બે હાફ સેન્ચુરી સામેલ હતી. 10માંથી છ વિકેટ ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાએ લીધી હતી.
જૉસ બટલરે 67 બૉલમાં ચાર ફોરની મદદથી બાવન રન બનાવ્યા હતા, જ્યારે જૅકબ બેથેલે 64 બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે 51 રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 59 રનની ભાગીદારી થઈ હતી.
કરીઅરની પહેલી જ વન-ડે રમી રહેલા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ઇંગ્લૅન્ડની 10મી ઓવરમાં ઉપરાઉપરી બે વિકેટ લઈને બ્રિટિશ ટીમની છાવણીમાં સોપો પાડી દીધો હતો. હર્ષિતે 53 રનમાં કુલ ત્રણ વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજા એવો જ બીજો સફળ બોલર હતો જેણે ફક્ત 26 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ મેળવી હતી. છ બોલરમાં એકમાત્ર હાર્દિક પંડ્યાને 37 રનમાં એક પણ વિકેટ નહોતી મળી. જોકે તેણે શરૂઆતમાં બ્રિટિશ બૅટર્સને અંકુશમાં રાખ્યા હતા.
ઇંગ્લૅન્ડના ઓપનર ફિલ સૉલ્ટ (43 રન, 26 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) તથા બેન ડકેટ (32 રન, 29 બૉલ, છ ફોર)ની ઓપનિંગ જોડીએ સિરીઝનો ધમાકેદાર આરંભ કર્યો હતો. તેમણે નવમી ઓવર પૂરી થઈ એ પહેલાં 75 રન ખડકી દીધા હતા. જોકે એ ઓવરના પાંચમા બૉલમાં ડકેટ સાથેની ગેરસમજને લીધે વિકેટકીપર સૉલ્ટે રનઆઉટમાં વિકેટ ગુમાવી દીધી હતી. શ્રેયસ ઐયર અને વિકેટકીપર કે. એલ. રાહુલે તેને રનઆઉટ કરીને અને હાફ સેન્ચુરીથી વંચિત રાખીને પૅવિલિયનમાં પાછો મોકલી દીધો હતો. ત્યાર બાદ 10મી ઓવરમાં હર્ષિતે ત્રીજા બૉલમાં ડકેટની અને છઠ્ઠા બૉલમાં હૅરી બ્રૂક (0)ની વિકેટ લઈને બ્રિટિશ ટીમને મુસીબતમાં મૂકી દીધી હતી.
જૉ રૂટ (19 રન)ની મહત્ત્વની વિકેટ જાડેજાએ લીધી હતી. તેણે રૂટને એલબીડબ્લ્યૂની અપીલમાં પૅવિલિયન ભેગો કરી દીધો હતો. બટલરની પ્રાઇઝ વિકેટ અક્ષર પટેલે લીધી હતી. બટલર પુલ શૉટ મારવાના પ્રયાસમાં શૉર્ટ ફાઇલ લેગ પર હાર્દિકને કૅચ આપી બેઠો હતો.
મોહમ્મદ શમી 443 દિવસ બાદ ફરી ભારત વતી રમતો જોવા મળ્યો.
હવે બીજી વન-ડે રવિવાર, નવમી ફેબ્રુઆરીએ (બપોરે 1.30 વાગ્યાથી) કટકમાં રમાશે. છેલ્લી વન-ડે બુધવાર, 12મી ફેબ્રુઆરીએ (બપોરે 1.30 વાગ્યાથી) અમદાવાદમાં રમાવાની છે.