બોલર્સની કમાલ પછી સૂર્યા-હાર્દિકની ધમાલ, ભારત પ્રથમ ટી-20 જીત્યું
ગ્વાલિયર: ભારતે અહીં રવિવારે બાંગ્લાદેશને પ્રથમ ટી-20માં 49 બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી હરાવીને ત્રણ મૅચવાળી સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી. મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં 14 વર્ષ બાદ પહેલી વાર આંતરરાષ્ટ્રીય મૅચ યોજાઈ હતી અને એમાં ખાસ કરીને આઇપીએલના સ્પેશિયલ ખેલાડીઓવાળી યુવા ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે 128 રનનો લક્ષ્યાંક 11.5 ઓવરમાં ત્રણ જ વિકેટના ભોગે મેળવી લીધો હતો.
બાંગ્લાદેશને 127 રન સુધી સીમિત રખાવવામાં ખાસ કરીને લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (3.5-0-14-3) અને લેગ-સ્પિનર વરુણ ચક્રવર્તી (4-0-31-3)ના તેમ જ એક-એક વિકેટ લેનાર હાર્દિક પંડ્યા, દેશના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવ અને વૉશિંગ્ટન સુંદરના યોગદાન હતા. ત્યાર બાદ ખાસ કરીને કૅપ્ટન સૂર્યકુમાર (29 રન, 14 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) તથા હાર્દિક પંડ્યા (39 અણનમ, 16 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)ના અને વિકેટકીપર સંજુ સૅમસન (29 રન, 19 બૉલ, છ ફોર), અભિષેક શર્મા (16 રન, સાત બૉલ, એક સિક્સર, બે ફોર) તથા નીતિશ કુમાર રેડ્ડી (16 અણનમ, 15 બૉલ, એક સિક્સર)ના સાધારણ છતાં ઉપયોગી યોગદાનોથી ભારતે વિજય મેળવ્યો હતો. 12મી ઓવરમાં તાસ્કિનની ઓવરમાં હાર્દિકે ઉપરાઉપરી બે ફોર બાદ વિનિંગ સિક્સર ફટકારી હતી.
મુસ્તફિઝુર અને મેહદી હસન રિયાઝે એક-એક વિકેટ લીધી હતી. અભિષેક શર્મા રનઆઉટ થયો હતો.
એ પહેલાં, બૅટિંગ મળ્યા બાદ બાંગ્લાદેશે 127 રન બનાવ્યા હતા જેમાં મેહદી હસન મિરાઝ (35 અણનમ, 32 બૉલ, ત્રણ ફોર)નું યોગદાન ટીમમાં હાઈએસ્ટ હતું. કૅપ્ટન નજમુલ શૅન્ટોના 27 રન સેક્ધડ-હાઇએસ્ટ હતા. મયંક યાદવને આ મૅચથી ભારત વતી ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો અને તેણે 420 આંતરરાષ્ટ્રીય મૅચોના અનુભવી 38 વર્ષીય મહમુદુલ્લા (એક રન)ની મૂલ્યવાન વિકેટ લઈને દમદાર પર્ફોર્મ કર્યું હતું. મયંકે કેટલાક બૉલ કલાકે 147 કિલોમીટરથી વધુ ઝડપે ફેંક્યા હતા. મહમુદુલ્લા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો પ્રથમ શિકાર બન્યો હતો. બાંગ્લાદેશની નવમાંથી બે વિકેટ અર્શદીપે લીધી હતી અને 20મી ઓવરમાં પાંચમો બૉલ ફેંકતાં પહેલાં તેણે સાથી ખેલાડીઓને હરીફ ટીમની બાકીની એક વિકેટ (પોતાની ત્રીજી વિકેટ) પોતે હવે લઈ રહ્યો છે એવો ઇશારો કર્યો હતો અને એ જ બૉલમાં તેણે મુસ્તફિઝુર રહમાન (એક રન)ને ક્લીન બોલ્ડ કરી નાખ્યો હતો.
હાર્દિક પંડ્યા પણ ટીમમાં પાછો આવ્યો છે અને તેણે શૉરિફુલ ઇસ્લામનું ઑફ સ્ટમ્પ ઉખાડી નાખ્યું હતું.