આજે ઑસ્ટ્રેલિયા સામે ત્રીજી ટી-૨૦ મેચ, ભારત સિરીઝ જીતવાના ઇરાદા સાથે ઉતરશે
સુકાનીની સવારી આવી ગઈ: આજે ગુવાહાટીમાં રમાનારી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી-૨૦ મેચ અગાઉ ભારતીય ટી-૨૦ ટીમનો સુકાની સૂર્યકુમાર યાદવ તેનાં સાથી ખેલાડીઓ સાથે સોમવારે લોકપ્રિય ગોપીનાથ બોર્ડો લોઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. (પીટીઆઈ)
ગુવાહાટી: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટી-૨૦ સિરીઝની ત્રીજી મેચ રમાશે. ભારત આ સિરીઝમાં ૨-૦થી આગળ છે એવામાં ભારત આ મેચ જીતીને સિરીઝ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. મેચ આસામના ગુવાહાટી શહેરમાં બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે.
પ્રથમ બે મેચમાં બેટ્સમેનોના સારા પ્રદર્શન બાદ યુવા ખેલાડીઓની હાજરી સાથે ભારતીય ટીમ પણ બરસાપારા સ્ટેડિયમ પર પ્રભુત્વ જમાવવા માંગશે જ્યાં પીચ પરંપરાગત રીતે બેટિંગ માટે અનુકૂળ છે.
આ મેચ માટે સ્ટેડિયમમાં ૪૦ હજાર દર્શકો આવવાની અપેક્ષા છે અને તેઓ ફરી એકવાર ભારતના બેટ્સમેનો પાસે આક્રમક બેટિંગની અપેક્ષા રાખશે. ભારતીય બેટ્સમેનોએ પ્રથમ બે મેચમાં ૩૬ ચોગ્ગા અને ૨૪ છગ્ગા ફટકાર્યા હતા. ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ અને એડમ ઝમ્પા નવ અઠવાડિયાથી વધુ સમયથી ભારતમાં છે અને તેમના પર થાકની અસર દેખાઈ રહી છે.
ભારતના ટોપ ઓર્ડરે પ્રથમ બે મેચમાં સારું પ્રદર્શન કર્યું છે. યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યા છે. ઇશાન કિશન સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો અને તેણે સતત બે અડધી સદી ફટકારી છે.
રિંકુ સિંહ આ ફોર્મેટમાં ફિનિશરની ભૂમિકામાં રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે અને બંને મેચમાં તેણે સારી ઇનિંગ્સ રમી છે. પ્રથમ મેચમાં ૨૦૯ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે તિલક વર્મા પાંચમા નંબરે આવ્યો હતો અને તેણે ૧૦ બોલમાં બે ચોગ્ગાની મદદથી ૧૨ રન કર્યા હતા.
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ટી-૨૦ ફોર્મેટમાં ૧૩૫ મેચ જીતી છે. જો તે આગામી મેચમાં ઑસ્ટ્રેલિયાને પણ હરાવશે તો ટી-૨૦માં તેની ૧૩૬મી જીત હશે. આ સાથે તે ટી- ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની જશે. ટીમ ઈન્ડિયા હાલ પાકિસ્તાનની બરાબરી પર છે. પાકિસ્તાને અત્યાર સુધી ૧૩૫ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચો પણ જીતી છે.