
અમદાવાદઃ વન-ડે રૅન્કિંગના વર્લ્ડ નંબર-વન ભારતે આજે અહીં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાતમા ક્રમના ઇંગ્લૅન્ડને ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 142 રનથી કચડીને એની સામે 3-0 થી ક્લીન સ્વીપ કરી હતી અને શાનથી ટ્રોફી જીતી લીધી હતી. 19મી ફેબ્રુઆરીએ શરૂ થનારી વન-ડેની જ ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટીમ ઇન્ડિયાએ બહુ જ સારી મૅચ-પ્રૅક્ટિસ કરી લીધી છે અને એ આગામી સ્પર્ધાના પોતાના ગ્રૂપના દેશો પાકિસ્તાન, ન્યૂ ઝીલૅન્ડ તથા બાંગ્લાદેશને પોતાની તાકાત વિશે ચેતવી દીધા હતા.
Also read : ઑસ્ટ્રેલિયન ટીમનું શું થવા બેઠું છે?! ફાસ્ટ બોલર્સની આખી ફોજ ચેમ્પિયન્સ ટ્રોફીની બહાર!

ભારતે આપેલા 357 રનના તોતિંગ લક્ષ્યાંક સામે જૉસ બટલરની ટીમ 34.2 ઓવરમાં 214 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ટૉમ બૅન્ટન (38 રન) અને ગસ ઍટક્નિસન (38 રન)ના વ્યક્તિગત સ્કોર્સ ટીમમાં હાઈએસ્ટ હતા.
શુભમન ગિલ (112 રન, 102 બૉલ, 3 સિક્સર, 14 ફોર) ભારતની આજની શાનદાર જીતનો સુપર હીરો હતો. તેણે ભારતને વિજય અપાવવાની સાથે અનોખો ભારતીય વિક્રમ પણ નોંધાવ્યો હતો. એક જ મેદાન (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) પર ત્રણેય ફૉર્મેટમાં સેન્ચુરી ફટકારનાર તે ભારતનો પ્રથમ અને વિશ્વનો પાંચમો ખેલાડી બન્યો છે. આ અપ્રતિમ સિદ્ધિ અહીંના ઐતિહાસિક સ્ટેડિયમમાં નોંધાવનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી પણ બન્યો છે.
ભારતના તમામ છ બોલરને વિકેટ મળી હતીઃ અર્શદીપ સિંહ (5-0-33-2), હર્ષિત રાણા (5-1-31-2), હાર્દિક પંડ્યા (5-0-38-2), વૉશિંગ્ટન સુંદર (5-0-43-1), અક્ષર પટેલ (6.2-1-22-1) અને કુલદીપ યાદવ (8-0-38-1).
બ્રિટિશ ટીમેે 357 રનના ટાર્ગેટ માટે શરૂઆત સારી કરી હતી, પરંતુ કમબૅકમૅન અર્શદીપ સિંહે ઇનિંગ્સની સાતમી ઓવરમાં બેન ડકેટ (34 રન)ને કૅપ્ટન રોહિત શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો એ સાથે બ્રિટિશ ટીમના વળતા પાણી શરૂ થયા હતા અને કોઈ જ મોટી ભાગીદારીના અભાવે છેવટે તેમનો મૅચમાં અને સિરીઝમાં ઘોર પરાજય થયો હતો.
એ પહેલાં, ભારતે બૅટિંગ મળ્યા પછી ખરાબ આરંભ બાદ ચાર સારી ઇનિંગ્સની મદદથી 50 ઓવરમાં 356 રનનો તોતિંગ સ્કોર નોંધાવીને બ્રિટિશરોને 357 રનનો મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. ખાસ કરીને વાઇસ-કૅપ્ટન શુભમન ગિલે ભારે ગરમી અને સૂકા હવામાન વચ્ચે અમદાવાદનું સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું. તેણે 51 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા અને પછી 95 બૉલમાં 100 રન પૂરા કરીને વન-ડેની સાતમી સદી નોંધાવી હતી.
Also read : ICC Rankings: બીજી વન-ડેમાં રોહિત શર્મા મેચ વિનર છતાં રેન્કિંગમાં નુકસાન, કોહલીને પણ ફટકો…
ગિલે છેલ્લે 2023ની 24મી સપ્ટેમ્બરે ઇન્દોરમાં ઑસ્ટ્રેલિયા સામે કરીઅરની છઠ્ઠી સેન્ચુરી ફટકારી ત્યાર બાદ હવે છેક 16 મહિના બાદ સાતમી સદી નોંધાવી છે. અમદાવાદના આ જ મેદાન પર ગિલે 2023માં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં સેન્ચુરી (128 રન) અને એ જ વર્ષમાં આ જ ગ્રાઉન્ડ પર ન્યૂ ઝીલૅન્ડ સામે ટી-20માં સેન્ચુરી (126 અણનમ) ફટકારી હતી.
એક જ મેદાન પર ત્રણેય ફૉર્મેટમાં સદી નોંધાવવાની સિદ્ધિ ગિલની પહેલાં જેમણે નોંધાવી હતી એની વિગત આ મુજબ છેઃ ફૅફ ડુ પ્લેસી (વૉન્ડરર્સ, જોહનિસબર્ગ), ડેવિડ વૉર્નર (ઍડિલેઇડ ઓવલ), બાબર આઝમ (નૅશનલ સ્ટેડિયમ, કરાચી) અને ક્વિન્ટન ડિકૉક (સુપરસ્પોર્ટ પાર્ક, સેન્ચુરિયન).
ગિલ અને વિરાટ કોહલી (બાવન રન, પંચાવન બૉલ, એક સિક્સર, સાત ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 107 બૉલમાં 116 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ ગિલ અને ઇન્ફૉર્મ બૅટર શ્રેયસ ઐયર (78 રન, 64 બૉલ, બે સિક્સર, આઠ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 93 બૉલમાં 104 રનની ભાગીદારી થઈ હતી. ગિલ, વિરાટ અને શ્રેયસ ઉપરાંત વિકેટકીપર કે. એલ. રાહુલ (40 રન, 29 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) પણ સારું રમ્યો હતો. જોકે હાર્દિક પંડ્યા (17 રન, નવ બૉલ, બે સિક્સર) બે છગ્ગા ફટકાર્યા પછી વિકેટ ગુમાવી બેઠો હતો. અક્ષર પટેલ (13 રન, 12 બૉલ, બે ફોર), વૉશિંગ્ટન સુંદર (14 રન, 14 બૉલ, એક ફોર) તથા હર્ષિત રાણા (13 રન, 10 બૉલ, એક સિક્સર, એક ફોર)એ પણ નાના યોગદાનો સાથે ભારતના સ્કોરને આગળ વધારતા રહીને બ્રિટિશ ટીમની ચિંતા વધારી દીધી હતી.
ઇંગ્લૅન્ડના બોલર્સમાં સ્પિનર આદિલ રાશિદ (64 રનમાં ચાર) સૌથી સફળ બોલર હતો. સાકિબ મહમૂદ, જૉ રૂટ અને ગસ ઍટક્નિસનને પણ એક-એક વિકેટ મળી હતી. જોકે તમામ બોલર્સમાં પેસ બોલર ઍટક્નિસન (74 રનમાં એક વિકેટ) સૌથી ખર્ચાળ સાબિત થયો હતો.
Also read : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો
ભારતે ટી-20 સિરીઝમાં ઇંગ્લેન્ડને 4-1થી માત આપી હતી.