યશસ્વી-ગિલના ઢગલો રન પછી જાડેજા-કુલદીપની કરામતઃ ભારત ફરી એક દાવથી જીતી શકે…

ભારતના 5/518 સામે વેસ્ટ ઇન્ડિઝ 4/140
નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી)માં શનિવારે બીજા દિવસે પ્રથમ દાવ 5/518ના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર બાદ રમતના અંત સુધીમાં વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ની પ્રવાસી ટીમે ચાર વિકેટના ભોગે 140 રન બનાવ્યા હતા. પ્રથમ ટેસ્ટ એક દાવ અને 140 રનથી હારી ચૂકેલી રૉસ્ટન ચેઝની ટીમ આ મૅચ (TEST match)માં રવિવારના ત્રીજા દિવસે જો ફૉલો-ઑન થશે તો શુભમન ગિલ ઍન્ડ કંપનીને ફરી એક ઇનિંગ્સથી જીતવાનો મોકો મળશે.
શુક્રવાર અને શનિવારે યશસ્વી જયસ્વાલ (175 રન, 258 બૉલ, 373 મિનિટ, બાવીસ ફોર) તથા કૅપ્ટન શુભમન ગિલ (129 અણનમ, 196 બૉલ, 260 મિનિટ, બે સિક્સર, 16 ફોર) તેમ જ અન્ય બૅટ્સમેનોએ ટીમને ઢગલો રન કરી આપ્યા ત્યાર પછી સ્પિન-જોડી રવીન્દ્ર જાડેજા (14-4-37-3) તથા કુલદીપ યાદવ (12-3-45-1)એ કૅરિબિયનોને દોઢસો રન પણ નહોતા કરવા દીધા. જોકે જસપ્રીત બુમરાહ (6-3-18-0), મોહમ્મદ સિરાજ (4-0-9-0) અને વૉશિંગ્ટન સુંદર (7-1-23-0)એ પણ વેસ્ટ ઇન્ડિઝને મર્યાદિત રખાવવામાં નાની-મોટી ભૂમિકા ભજવી હતી.

ફૉલો-ઑન ટાળવા કેટલા રન જરૂરી?
ભારતે (India) પ્રથમ દાવ 5/518ના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર બાદ વેસ્ટ ઇન્ડિઝે ટી-ટાઈમ પહેલાં 26 રનમાં ઓપનર કેમ્પબેલ (10 રન)ની વિકેટ ગુમાવી હતી. જાડેજાએ તેને કૅચઆઉટ કરાવ્યો હતો. દિવસની રમતના અંત પહેલાં જાડેજાએ વધુ બે વિકેટ લીધી હતી જેમાં તેણે તેજનારાયણ ચંદરપૉલ (34 રન) અને કૅપ્ટન રૉસ્ટન ચેઝ (0)ને પૅવિલિયનમાં મોકલી દીધા હતા.
જાડેજાએ અને ઍલિક ઍથાનેઝ (41 રન)ની વિકેટ લેનાર કુલદીપે કૅરિબિયન ટીમને સંકેત આપી દીધો કે આ મૅચમાં હવે કદાચ સ્પિનર્સ જ ખેલ ખતમ કરાવશે. ભારતના 518 રન સામે વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ દાવમાં શનિવારની બીજા દિવસની રમતના અંત સુધીમાં ચાર વિકેટે 140 રન કર્યા હતા. કૅરિબિયનો કુલ 319મો રન કરશે એટલે તેમણે ફૉલો-ઑન ટાળી કહેવાશે. જોકે 319મા રન સુધી પહોંચવા હજી તેમણે બીજા 179 રન કરવા પડશે જે મુશ્કેલ લાગે છે. એ જોતાં, રવિવારના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડિઝ જો ફૉલો-ઑન થશે તો રવિવારે જ અથવા સોમવારે ભારતને જીતવાનો મોકો મળશે.

યશસ્વી ત્રીજી ડબલ ચૂક્યો
એ પહેલાં, શનિવારે સવારે કેપ્ટન શુભમન ગિલે (129 અણનમ) 10મી સેન્ચુરી ફટકારી હતી. સવારે યશસ્વી 175 રનના પોતાના સ્કોર પર રનઆઉટ થયો હતો. તે ત્રીજી ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. ધ્રુવ જુરેલ (44 રન)ની વિકેટ પડતાં જ ગિલે દાવ સમાપ્ત જાહેર કર્યો હતો. ભારતના 5/518 રનના સ્કોરમાં સાઇ સુદર્શન (87 રન), નીતીશ રેડ્ડી (43 રન) અને કે. એલ. રાહુલ (38 રન)ના પણ યોગદાન હતા.

લેફ્ટ-હૅન્ડેડ યશસ્વીનો અનોખો વિક્રમ
યશસ્વી જયસ્વાલ ટેસ્ટ-ક્રિકેટમાં લેફ્ટ-હૅન્ડેડ ભારતીય બૅટ્સમેનોમાં સૌથી વધુ વખત 150-પ્લસનો સ્કોર નોંધાવનાર ખેલાડી બન્યો હતો. તેના નામે 150 કે વધુ રનના પાંચ સ્કોર છે. સૌથી વધુ વખત એક ઇનિંગ્સમાં 150 કે વધુ રન કર્યા હોય એવા ભારતીય લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેનોઃ (1) યશસ્વી જયસ્વાલ-પાંચ વખત (2) ગૌતમ ગંભીર-ચાર વખત (3) શિખર ધવન-ત્રણ વખત (4) સૌરવ ગાંગુલી-બે વખત (5) વિનોદ કાંબળી-બે વખત (6) રવીન્દ્ર જાડેજા-એક વખત (7) રિષભ પંત-એક વખત (8) યુવરાજ સિંહ-એક વખત.
આ પણ વાંચો…ગિલની રેકૉર્ડ-બ્રેક સેન્ચુરીઃ રોહિત, સચિન, બ્રેડમૅન, પંત અને બાબરથી આગળ થઈ ગયો