ભારતના પુરુષોનો પ્રથમ વર્લ્ડ કપ 1983માંઃ હવે 42 વર્ષે મહિલાઓ ઇતિહાસ સર્જશે?

રવિવારે બપોરે 3.00 વાગ્યાથી ભારત-સાઉથ આફ્રિકાનો ફાઈનલ મુકાબલો
નવી મુંબઈઃ 1983માં કપિલ દેવના સુકાનમાં ભારતીય ટીમે પહેલી વાર વર્લ્ડ કપ (world cup)ની ટ્રોફી પર કબજો જમાવ્યો હતો અને એ વિરલ સિદ્ધિને 42 વર્ષ થઈ ગયા બાદ હવે હરમનપ્રીત કૌર અને તેની સાથીઓ ભારતની મહિલા ક્રિકેટને રવિવારે વિશ્વ કપની પહેલી ટ્રોફી (Trophy) અપાવશે એવી 140 કરોડ લોકોની અપેક્ષા છે.
ભારતની મહિલા ક્રિકેટરો ક્યારેય કોઈ વર્લ્ડ કપ ટ્રોફી નથી જીતી. પુરુષોમાં ભારતે 1983ના વન-ડે વર્લ્ડ કપ બાદ 2007માં ટી-20નો વિશ્વ કપ, 2011માં વધુ એક વન-ડેનો વર્લ્ડ કપ અને 2024માં ફરી એક વાર ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો હતો. એમ કુલ મળીને ચાર વર્લ્ડ કપ જીતી લીધા હતા.

પુરુષ ક્રિકેટરોએ ચાર-ચાર વર્લ્ડ કપ ટ્રોફીથી બીસીસીઆઇના શૉ-કેસને શોભાવ્યો છે અને હવે મહિલાઓ (women)નો વારો છે. ભારતીય મહિલાઓ પુરુષોની તુલનામાં એક પણ વિશ્વ કપ નથી જીતી એટલે રવિવારે જીતીને ભારતીય ક્રિકેટમાં નવો અધ્યાય શરૂ કરી શકે છે.
આ પણ વાંચો: ભારતીય મહિલા ટીમ રવિવારે વર્લ્ડ કપ જીતશે તો બીસીસીઆઇ આટલા કરોડ રૂપિયાનું તોતિંગ ઇનામ આપશે
ફાઇનલમાં કેવી રીતે પહોંચ્યા
ભારત
(1) ભારતનો શ્રીલંકા સામે લીગમાં 59 રનથી વિજય, દીપ્તિ શર્મા પ્લેયર ઑફ ધ મૅચ
(2) ભારતનો પાકિસ્તાન સામે લીગમાં 88 રનથી વિજય, ક્રાંતિ ગૌડ પ્લેયર ઑફ ધ મૅચ
(3) ભારતનો સાઉથ આફ્રિકા સામે લીગમાં ત્રણ વિકેટે પરાજય, નેડિન ડિ ક્લર્ક પ્લેયર ઑફ ધ મૅચ
(4) ભારતનો ઑસ્ટ્રેલિયા સામે લીગમાં ત્રણ વિકેટે પરાજય, અલીઝા હીલી પ્લેયર ઑફ ધ મૅચ
(5) ભારતનો ઇંગ્લૅન્ડ સામે લીગમાં ચાર રનથી પરાજય, હીધર નાઇટ પ્લેયર ઑફ ધ મૅચ
(6) ભારતનો ન્યૂ ઝીલૅન્ડ સામે લીગમાં 53 રનથી વિજય, સ્મૃતિ મંધાના પ્લેયર ઑફ ધ મૅચ
(7) ભારત અને બાંગ્લાદેશની લીગ મૅચ અનિર્ણીત
(8) ભારતનો સેમિ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટે વિજય, જેમિમા રૉડ્રિગ્સ પ્લેયર ઑફ ધ મૅચ

સાઉથ આફ્રિકા
(1) સાઉથ આફ્રિકાનો ઇંગ્લૅન્ડ સામે લીગમાં 10 વિકેટે પરાજય, લિન્સી સ્મિથ પ્લેયર ઑફ ધ મૅચ
(2) સાઉથ આફ્રિકાનો ન્યૂ ઝીલૅન્ડ સામે લીગમાં છ વિકેટે વિજય, તેઝમિન બ્રિટ્સ પ્લેયર ઑફ ધ મૅચ
(3) સાઉથ આફ્રિકાનો ભારત સામે લીગમાં ત્રણ વિકેટે વિજય, નેડિન ડિ ક્લર્ક પ્લેયર ઑફ ધ મૅચ
(4) સાઉથ આફ્રિકાનો બાંગ્લાદેશ સામે લીગમાં ત્રણ વિકેટે વિજય, ક્લો ટ્રાયૉન પ્લેયર ઑફ ધ મૅચ
(5) સાઉથ આફ્રિકાનો શ્રીલંકા સામે લીગમાં 10 વિકેટે વિજય, લૉરા વૉલ્વાર્ટ પ્લેયર ઑફ ધ મૅચ
(6) સાઉથ આફ્રિકાનો પાકિસ્તાન સામે લીગમાં 150 રનથી વિજય, મૅરિઝેન કૅપ પ્લેયર ઑફ ધ મૅચ
(7) સાઉથ આફ્રિકાનો ઑસ્ટ્રેલિયા સામે લીગમાં સાત વિકેટે પરાજય, અલાના કિંગ પ્લેયર ઑફ ધ મૅચ
(8) સાઉથ આફ્રિકાનો ઇંગ્લૅન્ડ સામે સેમિ ફાઇનલમાં 125 રનથી વિજય, લૉરા વૉલ્વાર્ટ પ્લેયર ઑફ ધ મૅચ

આ પણ વાંચો: ભારતીય મહિલાઓનો ચેઝ વિક્રમજનક, અભિનંદનની વર્ષા: ઑસ્ટ્રેલિયાએ સિંહાસન ગુમાવ્યું
શું તમે આ જાણો છો
- મહિલાઓનો વન-ડે ફૉર્મેટમાં પહેલો વિશ્વ કપ 1973માં રમાયો હતો. એ સ્પર્ધા ઇંગ્લૅન્ડમાં રમાઈ હતી અને ઑસ્ટ્રેલિયાને પાછળ રાખીને ઇંગ્લૅન્ડની ટીમ સૌપ્રથમ વર્લ્ડ કપની ચૅમ્પિયન બની હતી. રૅચલ ફ્લિન્ટ ત્યારે ઇંગ્લૅન્ડનાં કૅપ્ટન હતા. 2017માં 77 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું.
- 1973ના પ્રથમ વર્લ્ડ કપમાં ફાઇનલ નહોતી રમાઈ! ત્યારે ઇંગ્લૅન્ડે (20 પૉઇન્ટ) ઑસ્ટ્રેલિયા (17 પૉઇન્ટ)ને પૉઇન્ટ્સ-ટેબલમાં ટોચના બે સ્થાને ચડિયાતી સ્થિતિને પગલે માત્ર પૉઇન્ટને આધારે પાછળ રાખીને ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. એ સ્પર્ધામાં જમૈકા અને ટ્રિનિદાદની ટીમ રમી હતી, પણ ભારતની ટીમ નહોતી રમી. ભારતે 1978ના બીજા વર્લ્ડ કપથી રમવાનું શરૂ કર્યું હતું.
- પહેલી જ વખત મહિલાઓની વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ નથી. 12 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની ફાઇનલમાં આ બેમાંથી એક દેશની ટીમ હંમેશાં રમી છે. જોકે આ વખતે ભારત અને સાઉથ આફ્રિકાએ આ બે દેશનું સામ્રાજ્ય તોડી નાખ્યું છે.
- અત્યાર સુધીમાં જે 12 વર્લ્ડ કપ રમાયા છે એમાં સાત વખત ઑસ્ટ્રેલિયા, ચાર વખત ઇંગ્લૅન્ડ અને એક વખત ન્યૂ ઝીલૅન્ડ ચૅમ્પિયન બન્યું છે.
- ભારત બે વખત ફાઇનલમાં આવીને હારી ગયું હતું એટલે આ વખતે થર્ડ ટાઇમ લકી? એવું કહી શકાય.
- સાઉથ આફ્રિકા અગાઉ ક્યારેય ફાઇનલમાં નહોતું પહોંચ્યું.
- ભારતની મહિલાઓને પહેલી જ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનવાની તક છે તો સાઉથ આફ્રિકાને આ વખતે પહેલી જ વાર ફાઇનલમાં પહોંચીને ચૅમ્પિયન બનીને નવો ઇતિહાસ સર્જવાનો એને મોકો છે.
- સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટથી ભારતે ખાસ ચેતવું પડશે, કારણકે તે આ ટૂર્નામેન્ટમાં બે પ્લેયર ઑફ ધ મૅચ પુરસ્કાર જીતી ચૂકી છે.
- રવિવારની ફાઇનલ માટે રિઝર્વ-ડે રાખવામાં આવ્યો છે. જો રવિવારે મૅચ વરસાદ યા અન્ય કોઈ કારણસર અધૂરી રહેશે તો જ્યાં અટકી હશે ત્યાંથી બીજા દિવસે (સોમવારે) શરૂ થશે.
- આ વખતના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ લીગ રાઉન્ડમાં લાગલગાટ ત્રણ મૅચ હારી હતી, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ સતત પાંચ મૅચ જીતી હતી.
- લીગ રાઉન્ડને અંતે પૉઇન્ટ્સ-ટેબલમાં સાઉથ આફ્રિકા 10 પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને અને ભારત સાત પૉઇન્ટ સાથે ચોથા નંબરે હતું.



