નવેમ્બરમાં દિલ્હીમાં `પ્રદૂષણની પરાકાષ્ઠા’ છતાં સાઉથ આફ્રિકા સામે રમાશે ટેસ્ટ!

નવી દિલ્હીઃ આગામી નવેમ્બરમાં 14-18 તારીખ દરમ્યાન પાટનગર દિલ્હીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મૅચ (Test match)નું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ એ અરસામાં દિલ્હીમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ સામાન્ય રીતે પરાકાષ્ઠાએ રહેતું હોવા છતાં આ મૅચ એ જ સમયે યોજવામાં આવી એના પર ચર્ચા થઈ રહી છે.
જોકે બીસીસીઆઇ (BCCI)ના સેક્રેટરી દેવાજિત સૈકિયા (Devajit Saikia)એ ક્રિકેટ બોર્ડના આ નિર્ણયની તરફેણ કરતા કહ્યું છે કે અમે આ ટેસ્ટ માટે દિલ્હી (Delhi)નું નામ નક્કી કરવામાં તમામ પરિબળોને ધ્યાનમાં લીધા છે તેમ જ ટેસ્ટ યોજવા સંબંધિત રૉટેશન પૉલિસીને પણ લક્ષમાં રાખી છે. અમે સંબંધિત વ્યક્તિઓ સાથે ચર્ચા કરી છે અને પ્રદૂષણની સમસ્યા કંઈ દર વર્ષે નથી હોતી.’
જે સ્થળે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)નું રીડિંગ 300થી ઉપર હોય એ સ્થળ વાતાવરણની દ્રષ્ટિએખૂબ જ નબળું’ કહેવાય છે. એક્યૂઆઇનું રીડિંગ 400 ઉપર પહોંચી જાય તો એ સ્થળનું હવામાન અત્યંત ખરાબ’ કહેવાય છે. ગયા વર્ષે 18મી નવેમ્બરે દિલ્હીમાં એક્યૂઆઇ 999 હતું. આઇક્યૂઍર નામની સ્વિસ કંપની હવાની ગુણવત્તા માપવાનું કામ કરે છે. અમેરિકાના એક જાણીતા દૈનિકના અહેવાલ મુજબ આ સ્વિસ કંપનીએ એ દિવસે દિલ્હીમાં એક્યૂઆઇ 1,600 હોવાનું જણાવ્યું હતું. એ સ્થિતિમાં દિલ્હી શહેરમાં લૉકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી.
લોકોને ઇમરજન્સી હોય તો જ ઘરની બહાર નીકળવાની સલાહ અપાઈ હતી. સ્કૂલો બંધ રખાઈ હતી અને માર્ગો પર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નહોતી જોવા મળી. 2016માં બે રણજી મૅચ દિલ્હીમાં હવામાંના હદ બહારના પ્રદૂષણને કારણે રદ કરાઈ હતી, કારણકે ત્યારે કેટલાક ખેલાડીઓને માથામાં દુખાવો થયો હતો અને પેટમાં બળતરા પણ થઈ હતી. ડિસેમ્બર, 2017માં દિલ્હીની ટેસ્ટ દરમ્યાન શ્રીલંકાના અમુક ખેલાડીઓ માસ્ક પહેરીને રમ્યા હતા. 2019ના નવેમ્બરમાં બે બાંગ્લાદેશી ખેલાડીઓને વન-ડે દરમ્યાન મેદાન પર ઊલ્ટી થઈ હતી.
2023ના વન-ડે વર્લ્ડ કપ વખતે બાંગ્લાદેશ-શ્રીલંકાની મૅચ પહેલાં બાંગ્લાદેશની ટીમે હવાના પ્રદૂષણને કારણે પ્રૅક્ટિસ સત્ર રદ કર્યું હતું. દરમ્યાન દિલ્હી ક્રિકેટ ઍૅસોસિયેશનના સેક્રેટરી અશોક શર્માનું કહેવું છે કેનવેમ્બરમાં ખેલાડીઓ ટેસ્ટ મૅચ રમવા આવશે ત્યારે અમે તેમની સાવચેતી માટેના તમામ જરૂરી પગલાં લઈશું. બીજું, અરુણ જેટલી સ્ટેડિયમની આસપાસ ખુલ્લો અને હરિત પ્રદેશ હોવાથી શહેરના અન્ય ભાગોની તુલનામાં આ સ્ટેડિયમ ખાતે હવાની ગુણવત્તા ઘણી જ સારી રહેશે. આમેય, દિલ્હીને ઘણા સમયથી ટેસ્ટ નથી મળી.
બીસીસીઆઇએ આ વખતે ટેસ્ટ આપી છે જે બદલ અમે તેમના આભારી છીએ. સામાન્ય રીતે ડિસેમ્બર કરતાં નવેમ્બરમાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું હોય છે.’ ઉલ્લેખનીય છે કે ભારતમાં આંતરરાષ્ટ્રીય સિરીઝની શરૂઆત ઑક્ટોબરમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની શ્રેણીથી થશે જેમાં પહેલાં અમદાવાદમાં અને પછી કોલકાતામાં ટેસ્ટ મૅચ રમાશે.
આપણ વાંચો : ભારતની ટેસ્ટ ટીમ આ `ભારતીય ટીમ’ સામે રમશે મૅચ, બન્નેનો કોચ ગૌતમ ગંભીર!