ભારતની પ્લેઇંગ-ઇલેવનમાં ચાર સ્પિનર, પણ ચમકી ગયો બુમરાહ

કોલકાતાઃ વન-ડે અને ટી-20ના નંબર-વન ભારતે અહીં શુક્રવારે ઈડન ગાર્ડન્સમાં ટેસ્ટના વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકાને સિરીઝની પહેલી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી)ના પ્રારંભિક દિવસે નમાવ્યું હતું અને એમાં સૌથી મોટી ભૂમિકા ટેસ્ટના વર્લ્ડ નંબર-વન જસપ્રીત બુમરાહ (14-5-27-5)ની હતી જેણે 16મી વખત દાવમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવીને મહાન સ્પિનર ભાગવત ચંદ્રશેખરની બરાબરી કરી હતી.
ખરેખર તો બુમરાહ (Bumrah) ભારતીય ટીમના ચારેય સ્પિનર (કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર) કરતાં વધુ સફળ રહ્યો હતો. પહેલા દિવસની રમતના અંતે ભારત (India)નો પ્રથમ દાવનો સ્કોર એક વિકેટે 37 રન હતો. ભારતે આ 37 રન 20 ઓવરમાં 1.85ના રનરેટ સાથે કર્યા હતા અને બૅડલાઇટને કારણે રમત થોડી વહેલી સમેટી લેવામાં આવી હતી.
ઓપનર કે. એલ. રાહુલ 13 રને અને વનડાઉન પ્લેયર વૉશિંગ્ટન સુંદર છ રને રમી રહ્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલ 26 બૉલમાં ત્રણ ફોરની મદદથી 12 રન કરીને 27મા બૉલ પર આઉટ થઈ ગયો હતો. સાઉથ આફ્રિકાથી ભારત માત્ર 122 રન પાછળ હતું.
આપણ વાચો: પહેલી ટેસ્ટ જેવો જ માહોલ છેલ્લી ટેસ્ટમાંઃ લીડ્સમાં બ્રિટિશરોએ 371 રનનો લક્ષ્યાંક મેળવી લીધેલો
0/57 બાદ 102 રનમાં પડી 10 વિકેટ
એ પહેલાં, 32,000 પ્રેક્ષકોની હાજરીમાં સાઉથ આફ્રિકાની ટીમ બૅટિંગ લીધા બાદ માત્ર 159 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. એક તબક્કે પ્રવાસી ટીમનો સ્કોર 0/57 હતો, પરંતુ પછીની 45 ઓવરમાં 102 રનમાં તેમણે તમામ 10 વિકેટ ગુમાવી હતી.
બુમરાહે સાઉથ આફ્રિકાની ઇનિંગ્સમાં શરૂઆતથી છેક સુધી બૅટ્સમેનો પર કાબૂ જાળવ્યો હતો અને જગવિખ્યાત વિચિત્ર બોલિંગ-ઍક્શનથી સીમ, સ્વિંગ તથા પેસના પાવરથી તેમને વારંવાર મુશ્કેલીમાં મૂકી દીધા હતા.
બુમરાહે જે પાંચ વિકેટ લીધી એમાં ઓપનર એઇડન માર્કરમ (31 રન), ઓપનર રાયન રિકલ્ટન (23 રન), ટૉની ડિ ઝોર્ઝી (24 રન), સાઇમન હાર્મર (પાંચ રન) અને કેશવ મહારાજ (0)નો સમાવેશ હતો. બુમરાહે બે બૅટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યા હતા, બે પ્લેયરને એલબીડબ્લ્યૂ કર્યા હતા અને એક ખેલાડીને કૅચઆઉટ કરાવ્યો હતો.

આપણ વાચો: IND vs ENG: પહેલી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત, આ 2 ઘાતક બોલર્સ ટીમમાં સામેલ
કુલદીપની 36 રનમાં બે વિકેટ
ઈડનની પિચ પર સવારથી બૉલ નીચા રહેતા હતા, પરંતુ ` બૂમ બૂમ બુમરાહે’ લાઇન અને લેન્ગ્થ સતત જાળવીને પાંચ વિકેટની અપ્રતિમ સિદ્ધિ મેળવી હતી.
સ્પિનરોને આ પિચમાં પહેલા દિવસે ખાસ કંઈ મદદ નહોતી મળી એમ છતાં પથ્થરમાંથી પાણી કાઢવા જેવી કાબેલિયત ધરાવતા લેફ્ટ-આર્મ ચાઇનામૅન કુલદીપ યાદવે સારા ટર્ન મેળવ્યા હતા અને સતતપણે આક્રમણ જાળવી રાખીને કુલ 36 રનના ખર્ચે વનડાઉન બૅટ્સમૅન વિઆન મુલ્ડર (24 રન) અને કૅપ્ટન ટેમ્બા બવુમા (ત્રણ રન)ની મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.

સ્ટબ્સની લડત, સૌથી વધુ સમય ક્રીઝ પર રહ્યો
છઠ્ઠા નંબર પર રમવા આવેલા ટ્રિસ્ટેન સ્ટબ્સે ટીમમાં સૌથી વધુ 116 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને 74 બૉલમાં 15 રન કર્યા હતા અને અણનમ રહ્યો હતો. તેની અને કાઇલ વેરાઇન (16 રન) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 70 બૉલમાં 26 રનની ભાગીદારી થઈ હતી.

આપણ વાચો: લીડ્સમાં ભારત આટલા વર્ષથી ટેસ્ટ નથી જીત્યું, જૂનમાં પહેલી ટેસ્ટ ત્યાં જ રમાવાની છે
સિરાજની ચાર બૉલમાં બે વિકેટ, રબાડા ટીમમાં નથી
મોહમ્મદ સિરાજે એક તબક્કે સાઉથ આફ્રિકાની 45મી અને પોતાની 10મી ઓવરમાં ચાર બૉલમાં વેરાઇન (16 રન) અને યેનસેન (0)ની વિકેટ લીધી હતી. અક્ષર પટેલને એક વિકેટ મળી હતી, પણ આઠ ઓવર બોલિંગ કરનાર રવીન્દ્ર જાડેજાને અને એક ઓવર કરનાર વૉશિંગ્ટનને વિકેટ નહોતી મળી.

દરમ્યાન, સાઉથ આફ્રિકાનો મુખ્ય ફાસ્ટ બોલર કૅગિસો રબાડા ઈજાને કારણે આ મૅચમાં નથી રમ્યો. ભારતના ટીમ-મૅનેજમેન્ટે સાઇ સુદર્શનને ટીમની બહાર રાખીને વનડાઉનના સ્થાને ઑલરાઉન્ડર વૉશિંગ્ટનને રમાડ્યો છે.



