
જોહાનિસબર્ગ: ODI વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના સામે મળેલી હારને ભૂલીને ભારતીય ટીમ કેપ્ટન કેએલ રાહુલની આગેવાની હેઠળ આજે રવિવારે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની સિરીઝની પ્રથમ ODI રમવા જોહાનિસબર્ગના ‘વાન્ડરર્સ’ મેદાનમાં નવા જુસ્સા સાથે ઉતરશે. ભારતના ઘણા યુવા ખેલાડીઓ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છાપ છોડવા તૈયાર છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો પ્રથમ ODI ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરુ થશે. ટોસ અડધા કલાક પહેલા એટલે કે બપોરે 1 વાગ્યે થશે. ભારતીય ટીમ છેલ્લા પાંચ વર્ષથી દક્ષિણ આફ્રિકાની ધરતી પર વનડે સિરીઝ જીતી શકી નથી. આ પહેલા ભારતે 2017/18માં છ મેચોની શ્રેણી 5-1થી જીતી હતી. 2021/22માં રમાયેલી ત્રણ મેચો સિરીઝ દક્ષિણ આફ્રિકાએ 3-0થી જીતી હતી.
જોહાનિસબર્ગના વાન્ડરર્સ મેદાન પિચ પર ગત ગુરુવારે રમાયેલી ત્રીજી T20 મેચમાં સ્પિનરોને મદદ કરી રહી હતી અને જો આવી જ સ્થિતિ રહેશે તો ભારત કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યુઝવેન્દ્ર ચહલના રૂપમાં ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. વાન્ડરર્સની પીચ પર સામાન્ય રીતે વધુ બાઉન્સ જોવા મળે છે. આ મેદાન હાઈ સ્કોરિંગ મેચો માટે જાણીતું છે. આ એ જ મેદાન છે જેના પર ODI ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ 434 રન બન્યા હતા અને દક્ષિણ આફ્રિકાએ સફળતાપૂર્વક ચેઝ પણ કર્યા હતા.
અહીં છેલ્લી ચારમાંથી ત્રણ ODI મેચમાં પ્રથમ ઇનિંગમાં 300થી વધુનો સ્કોર બન્યો છે. આવી સ્થિતિમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડેમાં રનનો વરસાદ થવાની આશા છે.
જોહાનિસબર્ગમાં ટીમ ઈન્ડિયાનો વનડે રેકોર્ડ ખરાબ રહ્યો છે. અહીં ભારતીય ટીમે 8 મેચ રમી છે જેમાંથી 5માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ આ મેદાન પર રમાયેલી 40માંથી 30 મેચ જીતી છે.
આ દિવસોમાં દક્ષિણ આફ્રિકાના ઘણા વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે, પરંતુ સારી વાત એ છે કે તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ વનડે મેચમાં વરસાદ કોઈ અડચણ ઉભી કરશે નહીં. હવામાન વિભગના જણાવ્યા મુજબ મેચના સમય દરમિયાન જોહાનિસબર્ગમાં વરસાદની શક્યતા ઘણી ઓછી છે. વરસાદ થશે તો પણ અમુક સમય માટે જ થશે. બાકીના સમય દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે.
ભારતીય ટીમ નિશ્ચિતપણે વન ડેમાં T20 ટીમના ચારથી પાંચ ખેલાડીઓને સ્થાન આપશે. આ સિવાય કેએલ રાહુલ, સંજુ સેમસન અને અક્ષર પટેલ રમશે તે નિશ્ચિત જણાય છે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં રાસી વાન ડેર ડુસેનની એન્ટ્રી નિશ્ચિત છે. અહીં ટોની ડી જ્યોર્જીને પ્લેઇંગ-11માં પણ તક મળી શકે છે. દક્ષિણ આફ્રિકા ટીમના મોટાભાગના ખેલાડીઓ પણ ટી-20 ટીમના હશે.
ભારત: રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (કેપ્ટન, વિકેટકીપર), સંજુ સેમસન, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, મુકેશ કુમાર.
દક્ષિણ આફ્રિકા: રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી જ્યોર્જિયા, રાસી વેન ડેર ડ્યુસેન, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, એન્ડીલે ફેહલુખ્વાયો, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, નાન્દ્રે બર્જર, લિઝાદ વિલિયમ્સ.