IND vs SA 2nd Test: બીજી ટેસ્ટ મેચ માટે આ ફાસ્ટ બોલરને ટીમમાં સામેલ કરાયો, શું શમીનું ખોટ પૂરી કરી શકશે?
સેન્ચુરિયનમાં આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને એક ઇનિંગ અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, ભારતીય ટીમેં બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાંથી ખરાબ પ્રદર્શન કર્યું હતું. બોલિંગ વિભગમાં સ્પષ્ટપણે મોહમ્મદ શમીની ખોટ વર્તાઈ હતી, જે હાલ ઈજાગ્રસ્ત છે. પ્રથમ ટેસ્ટ મેચમાં કારમી હાર બાદ હવે ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર અવેશ ખાનને શમીના રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
સિરીઝ હારથી બચવા ટીમ ઈન્ડિયાએ કોઈપણ ભોગે કેપટાઉનમાં રમાનાર બીજી ટેસ્ટ મેચ જીતવી પડશે. આ માટે ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો છે, અને ફાસ્ટ બોલર અવેશ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચમાં જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજની સાથે સાથે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણએ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ડેબ્યૂ મેચ પ્રસિદ્ધ માટે બિલકુલ સારી રહી ન હતી. તેણે એક ઈનિંગમાં 20 ઓવર ફેંકીને 93 રન આપ્યા અને માત્ર 1 વિકેટ લીધી.
પહેલી ટેસ્ટ મેચમાં જસપ્રિત બુમરાહ સિવાય ભારત તરફથી કોઈ બોલર અસરકારક સાબિત થઈ શક્યો નહોતો. જો કે મોહમ્મદ શમીને પહેલા ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ પગની ઘૂંટીમાં ઈજાને કારણે તેની ફિટનેસ પર સવાલો ઉઠ્યા હતા. હવે બીસીસીઆઈએ પુષ્ટિ કરી છે કે બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં મોહમ્મદ શમીની જગ્યાએ અવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અવેશે વર્ષ 2014માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું, જે હાલ 27 વર્ષનો છે. અવેશે 38 મેચમાં 149 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન, એક મેચમાં 54 રન આપીને 12 વિકેટ ઝડપી હતી જે એક મેચમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. અવેશે એક ઇનિંગમાં 24 રન આપીને 7 વિકેટ લીધી છે, આ તેનું એક ઇનિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અવશે લિસ્ટ Aમાં પણ સારો દેખાવ કર્યો છે. તેણે 36 મેચમાં 38 વિકેટ લીધી છે.
બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે.