બુમરાહ-અર્શદીપ નહીં, પણ આ ભારતીય બોલર સામે પાકિસ્તાનીઓ બની જાય છે મ્યાંઉ…

નવી દિલ્હીઃ જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ ભલે પાવરપ્લે તથા ડેથ ઓવર્સમાં ખતરનાક છે, પરંતુ પાકિસ્તાની બૅટ્સમેનોની સૌથી મોટી મુશ્કેલી છે હાર્દિક પંડ્યા.
એમાં પણ નવમી સપ્ટેમ્બરે યુએઇમાં શરૂ થનારા ટી-20ના એશિયા કપમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન નથી રમવાના એટલે પાકિસ્તાન (Pakistan) ની ટીમનું ફિંડલુ વળી જતા વાર નહીં લાગે.

હાર્દિક પંડ્યા (Hardik Pandya) જ્યારે સામે આવે ત્યારે પાકિસ્તાનની ખબર અચૂક લેવાઈ જાય છે. એ જોતાં માત્ર આ બે દેશના જ નહીં, સમગ્ર ક્રિકેટ જગતની નજર 14મી સપ્ટેમ્બર પર રહેશે. એ રવિવારે દુબઈમાં સાંજે 7.30 વાગ્યે હાઈ-વૉલ્ટેજ ટક્કર શરૂ થશે અને પાકિસ્તાની બૅટ્સમેનો હાર્દિકના આતંકથી કેવી રીતે બચવું એની સતત તલાશમાં રહેશે.
હાર્દિક અત્યાર સુધીમાં ટી-20ના એશિયા કપ (Asia Cup)માં કુલ આઠ મૅચ રમ્યો છે જેમાં તેણે 11 વિકેટ લીધી છે. આઠ રનમાં ત્રણ વિકેટ તેનો બેસ્ટ બોલિંગ પર્ફોર્મન્સ રહ્યો છે. હાર્દિક એશિયા કપમાં અફઘાનિસ્તાનના રાશીદ ખાનની બરાબરીમાં છે, પરંતુ એશિયા કપ ટી-20માં સૌથી વધુ વિકેટ ભુવનેશ્વર કુમારના નામે છે અને હાર્દિક તેનાથી માત્ર બે ડગલાં દૂર છે.
ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચોમાં પાકિસ્તાન સામે રમી ચૂકેલા ભારતીય બોલર્સમાં હાર્દિકનો પર્ફોર્મન્સ સૌથી ઉપર છે. તેમની સામે હાર્દિક વૅરિએશન્સને લીધે મિડલ ઓવરનો માસ્ટર બોલર ગણાય છે. તેણે પાકિસ્તાન સામે ફક્ત સાત ટી-20 ઇન્ટરનૅશનલ મૅચમાં 13 વિકેટ લીધી છે અને એમાં આઠ રનમાં ત્રણ વિકેટ તેનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે.
પાકિસ્તાન સામે ટી-20માં હાર્દિક પછી બીજા નંબરે ભુવનેશ્વર કુમાર (11 વિકેટ), અર્શદીપ સિંહ (સાત વિકેટ), ઇરફાન પઠાણ (છ વિકેટ) તથા બુમરાહ (પાંચ વિકેટ) છે. પાકિસ્તાન સામે હાર્દિકનો બોલિંગનો સ્ટ્રાઇક-રેટ દર 9.9 બૉલ પર એક વિકેટનો છે.
હાર્દિકની તેમની સામે પ્રતિ વિકેટ 12 રનની બોલિંગ-ઍવરેજ છે જે ખૂબ જ સારી કહેવાય. પાકિસ્તાન સામે હાર્દિક મોટા ભાગે વિકેટો લેતો જ હોય છે અને તેમના બૅટને અંકુશમાં પણ રાખતો હોય છે. એટલું જ નહીં, બૅટિંગમાં પણ હાર્દિક તેમને બાવડાંનું બળ બતાવી દે છે.
આ પણ વાંચો…એશિયા કપ માટેની ટીમમાં કોણ કેમ સામેલ? કોને કેમ જગ્યા ન મળી?