
ધરમશાલાઃ હિમાચલ પ્રદેશના ધરમશાલા ખાતે ન્યુઝીલેન્ડ અને ઈન્ડિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં ટોસની પ્રક્રિયા પણ એટલી જ રોમાંચક હતી, કારણ કે બંને ટીમો ટોસ જિતવા માંગતી હતી અને પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરવાનું પ્લાનિંગ કરી રહી હતી. જોકે, ટીમ ઈન્ડિયાને નસીબે યારી આપી અને ટીમ ઈન્ડિયા ટોસ જિતી ગઈ અને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ જિત્યા પછી પ્રતિક્રિયા આપતા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ અંગેનો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ આખરે શું છે એ કારણ-
હિમાચલપ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (HPCA)માં ટોસ જીત્યા બાદ રોહિત શર્માએ મેચ રમાવવાના આગલા દિવસે થયેલાં અનુભવ વિશે વાત કરી હતી અને એના કારણે પહેલાં બોલિંગ પસંદ કરી હોવાનો ખુલાસો પણ કર્યો હતો. અહીંયા મજાની વાત તો એ છે કે ન્યૂઝીલેન્ડની ટીમ પણ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનું જ પસંદ કરવાની હતી.
રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમે પહેલાં બોલિંગ કરીશું, કારણ કે અમે ગઈકાલે અહીં પ્રેક્ટિસ કરી હતી અને ડ્યૂની થોડી અસર હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું. આ પીચ સારી લાગી રહી છે અને અમે ટાર્ગેટને ચેઝ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. ભૂતકાળમાં શું થયું એ વિચારવાને બદલે સુધારો કરીને સારું પ્રદર્શન કરવા પર અમારું ફોકસ છે.
બીજી તરફ ટીમ ન્યુઝીલેન્ડના ટોમ લેથમે પણ એવું જણાવ્યું હતું કે જો અમે ટોસ જીત્યા હોત તો અમે પણ પહેલાં બોલિંગ કરવાનું જ પસંદ કરવાના હતા, આ પીચ સારી છે અને એના કારણે એ વાત તો અમે પણ જાણીએ છીએ કે ડ્યૂની અસર જોવા મળશે જ. અમારી આજની ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ટીમમાં ત્રણ ફાસ્ટર અને બે સ્પિનર્સ છે.
આ બધા વચ્ચે આજે ધરમશાલા ખાતે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. અત્યાર સુધી તો વાતાવરણ ખુશનુમા છે. આ પહેલાંના વર્લ્ડકપના અનુભવ બાદ આજે ધરમશાલાના સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે રસાકસી ભરી રહેશે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી. ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો આજે ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યા નથી રમી રહ્યો હોય અને તેને બદલે ટીમમાં સૂર્યકુમાર યાદવને લેવામાં આવ્યો છે. આ સાથે આજે ટીમમાં મોહમ્મદ શમીની પણ એન્ટ્રી થઈ છે.
શુભમન ગિલની વાત કરીએ આ મેચમાં શુભમન ગિલ સૌથી વધુ ઝડપી 2000 રન કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે અને એ માટે તેને માત્ર 14 રનની જ જરૂ છે. જો ન્યૂઝીલેન્ડ સામે મેચમાં 38મી ઈનિંગ્સમાં તે 2000 રન પૂરા કરી લે છે તો વનડેમાં સૌથી ઝડપી 2000 રન કરનારો ખેલાડી બની જશે અને તે આસિમ આમલા (40)ને પાછળ છોડી દેશે.