સ્પોર્ટસ

રાહુલની આઠમી સેન્ચુરીને મિચલની આઠમી સદીએ ઝાંખી પાડી, ભારત હારી ગયું

રાજકોટઃ ન્યૂ ઝીલૅન્ડે (New Zealand) અહીં નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારતને ત્રણ મૅચવાળી સિરીઝની બીજી વન-ડેમાં 15 બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી હરાવીને શ્રેણી 1-1ની બરાબરીમાં લાવી દીધી હતી. ડેરિલ મિચલ (125 અણનમ, 115 બૉલ, બે સિક્સર, દસ ફોર) આ મુકાબલાનો સુપરસ્ટાર હતો. તેની આ આઠમી વન-ડે સેન્ચુરી હતી અને એની સામે ભારતના વિકેટકીપર કે. એલ. રાહુલ (112 અણનમ, 92 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)ની આઠમી સદી ઝાંખી પડી ગઈ હતી. યોગાનુયોગ, રાહુલે ભારતની ઇનિંગ્સના છેલ્લા બૉલમાં ફોર ફટકારી હતી, જ્યારે મિચલ પણ મૅચમાં જે અંતિમ બૉલ બન્યો એમાં તેણે ચોગ્ગો જ માર્યો હતો.

ભારતના બે દિગ્ગજ રોહિત શર્મા (24 રન) અને વિરાટ કોહલી (23 રન)માંથી એક પણ ખેલાડી સારું ન રમી શક્યો એટલે રાજકોટના 40,000-પ્લસ પ્રેક્ષકોએ નિરાશ થવું પડ્યું અને છેવટે પરાજય પણ જોવો પડ્યો. ભારતે બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 284 રન કર્યા હતા. ન્યૂ ઝીલૅન્ડે 47.3 ઓવરમાં માત્ર ત્રણ વિકેટના ભોગે 286 રન કરીને શાનથી વિજય મેળવ્યો હતો. હર્ષિત રાણા, પ્રસિદ્ધ ક્રિષ્ના અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી. રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને નીતીશ રેડ્ડી વિકેટ નહોતા લઈ શક્યા.

હવે રવિવારે નિર્ણાયક જંગ

ન્યૂ ઝીલૅન્ડ ક્યારેય ભારત (India)માં વન-ડે સિરીઝ નથી જીતી શક્યું એટલે હવે રવિવાર, 18મી જાન્યુઆરીની ઇન્દોરની નિર્ણાયક મૅચ (બપોરે 1.30 વાગ્યાથી) અત્યંત રસાકસીભરી બની રહેશે. એ મૅચ માટે ભારતીય ટીમમાં કયા ફેરફાર થશે એ જોવું રહ્યું.

મિચલની બે મોટી ભાગીદારી

બુધવારે ડેરિલ મિચલે (Daryl Mitchell) પહેલાં તો વિલ યંગ (87 રન, 98 બૉલ, સાત ફોર) સાથે ત્રીજી વિકેટ માટે 152 બૉલમાં 162 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી અને વિલ યંગની વિકેટ પડ્યા બાદ મિચલે ગ્લેન ફિલિપ્સ (32 અણનમ, પચીસ બૉલ, એક સિક્સર, બે ફોર) સાથે ચોથી વિકેટ માટે 78 રનની અતૂટ પાર્ટનરશિપ કરી હતી.

ગિલ-રાહુલ સામે મિચલ-યંગ સફળ

એ પહેલાં, ભારતે કૅપ્ટન શુભમન ગિલ (56 રન, 53 બૉલ, એક સિક્સર, નવ ફોર) ઉપરાંત મિડલ-ઑૅર્ડરની બૅટિંગની મદદથી અને એમાં પણ વિકેટકીપર કે. એલ. રાહુલના સુપર પર્ફોર્મન્સની મદદથી 50 ઓવરમાં સાત વિકેટે 284 રન કર્યા હતા અને કિવીઓને 285 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો જેને ડેરિલ મિચલે વિલ યંગ સાથેની જોડીમાં આસાન બનાવી દીધો અને છેવટે ભારતને પરાજિત કરાવીને બુધવારે જ 2-0થી સિરીઝની ટ્રોફી પર કબજો કરતું રોક્યું હતું.

રાહુલે સિક્સર સાથે પૂરી કરી સેન્ચુરી

રાહુલે (Rahul) આઠમી વન-ડે સેન્ચુરી પૂરી કરી હતી અને છેક સુધી ક્રીઝમાં ટકી રહ્યો હતો. તેણે પોતાના 87મા બૉલ પર છગ્ગો ફટકારીને સદી પૂરી કરી હતી અને ઇનિંગ્સના અંતિમ બૉલમાં ચોગ્ગો માર્યો હતો. તેની આઠમાંથી આ સર્વશ્રેષ્ઠ સદી ગણાય છે. તેની સાથે મોહમ્મદ સિરાજ બે રને અણનમ રહ્યો હતો.

કલાર્કની ત્રણ વિકેટ

બીજી જ વન-ડે રમી રહેલા 24 વર્ષીય કિવી પેસ બોલર ક્રિસ્ટિયન ક્લાર્કે ત્રણ વિકેટ (રોહિત, વિરાટ, શ્રેયસ) લીધી હતી, પણ રાહુલને તે નમાવી નહોતો શક્યો. વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર રાહુલ સાથેની ટૂંકી ભાગીદારીમાં આઠ રન કરીને પૅવિલિયનમાં પાછો આવી ગયો હતો.

રાહુલને મળ્યો નીતીશનો ટૂંકો સાથ

સ્ટાર બૅટ્સમેનો રોહિત શર્મા (24 રન), વિરાટ કોહલી (23 રન) અને રવીન્દ્ર જાડેજા (27 રન) મોટી ઇનિંગ્સ નહોતા રમી શક્યા અને ચર્ચાસ્પદ ઑલરાઉન્ડર નીતીશકુમાર રેડ્ડી પણ માત્ર 27 રન કરી શક્યો હતો. જોકે તેણે 58 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને 44 બૉલની ઇનિંગ્સ રમીને રાહુલને સારો સાથે આપ્યો હતો. તેની અને રાહુલ વચ્ચે 57 રનની ભાગીદારી થઈ હતી.

ગિલ ફરી 56 રન કરીને આઉટ

એ પહેલાં, રોહિત અને શુભમન ગિલે ખૂબ ધીમી શરૂઆત કરી હતી. પહેલી પાંચ ઓવરમાં ભારતના ફક્ત નવ રન હતા. જોકે પછીથી બન્નેએ રનમશીનને વેગ આપ્યો હતો અને છેક 70મા રને રોહિતની વિકેટ સાથે તેમની ભાગીદારી તૂટી હતી. જોકે ગિલ સતત બીજી મૅચમાં પણ હાફ સેન્ચુરી પૂરી કરવામાં સફળ થયો હતો. તે લાગલગાટ બીજી મૅચમાં 56 રન કરીને આઉટ થયો. ભારતે 70 રનથી 118 રનની વચ્ચે (48 રનમાં) ઉપરાઉપરી ચાર વિકેટ ગુમાવી ત્યાર પછી હોમટાઉન હીરો બાપુ રવીન્દ્ર જાડેજા અને વિકેટકીપર કે. એલ. રાહુલે બાજી સંભાળી લીધી હતી અને ધબડકો રોક્યો હતો. જોકે છેવટે ન્યૂ ઝીલૅન્ડની બૅટિંગ લાઇન-અપે ભારતને પરાજયનો જોરદાર ઝટકો આપ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button