સ્પોર્ટસ

ભારતના લોએસ્ટ 46 રન બાદ ન્યૂ ઝીલૅન્ડના ત્રણ વિકેટે 180

કિવીઓની ટીમની અત્યારથી 134 રનની સરસાઈ, કૉન્વે નવ રન માટે સેન્ચુરી ચૂક્યો

બેન્ગલૂરુ: શનિવાર, 29મી જૂનનો દિવસ રોહિત શર્માના સુકાનમાં ટી-20 વર્લ્ડ કપનું ચૅમ્પિયનપદ જીતવા બદલ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો એના માત્ર સાડાત્રણ મહિના બાદ રોહિતના જ સુકાનમાં ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ-ક્રિકેટમાં મોટી નામોશી જોવી પડી. ગુરુવારે બેન્ગલૂરુમાં ભારતીય ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં ફક્ત 46 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ટેસ્ટમાં ઘરઆંગણે ભારતનો આ સૌથી નીચો સ્કોર છે. વરસાદને લીધે પહેલા આખા દિવસની રમત ધોવાઈ ગયા પછી આ બીજા દિવસની રમતને અંતે ન્યૂ ઝીલૅન્ડનો પહેલા દાવનો સ્કોર ત્રણ વિકેટે 180 રન હતો અને અત્યારથી 134 રનની સરસાઈ લઈ લીધી હતી.

ભારતને 50 રન સુધી પણ ન પહોંચવા દેવામાં સૌથી મોટી ભૂમિકા પેસ બોલર મૅટ હેન્રી (13.2-3-15-5)ની હતી. તેણે ચોથી વાર દાવમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી. બીજા પેસ બોલર વિલિયમસ ઓ’રુરકીએ ચાર વિકેટ તેમ જ ભૂતપૂર્વ કૅપ્ટન ટિમ સાઉધીએ એક વિકેટ લીધી હતી. ભારતના 46 રનના કંગાળ પર્ફોર્મન્સ બાદ ન્યૂ ઝીલૅન્ડે સારી શરૂઆત કરી હતી. ઓપનર ડેવૉન કૉન્વે (91 રન, 105 બૉલ, ત્રણ સિક્સર, અગિયાર ફોર) નવ રન માટે પાંચમી ટેસ્ટ સેન્ચુરી ચૂકી ગયો હતો. આર. અશ્ર્વિને તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. કિવીઓની બાકીની બેમાંથી એક વિકેટ કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાએ લીધી હતી. જસપ્રીત બુમરાહને 23 રનમાં અને મોહમ્મદ સિરાજને 21 રનમાં એકેય વિકેટ નહોતી મળી.

આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી નીચા સ્કોર કયા છે જાણો છો? ચાલો, એક નજર કરી લઈએ…

ભારતીય બૅટર્સ જાણે ટી-20 મૅચમાં રમી રહ્યા હોય એ રીતે રમ્યા હતા. ઉતાવળે રન બનાવવા જતાં તેમણે બહુ ઝડપથી વિકેટ ગુમાવી હતી. ટી-20 મૅચમાં તો હવે 200 રનનો ટીમ-સ્કોર સામાન્ય થઈ ગયો છે, જ્યારે ગુરુવારે ભારતીય ટીમ ટેસ્ટના દાવમાં 50 રન પણ ન બનાવી શકી. ભારત આ મૅચમાં પરાજયથી બચશે તો એ મોટો ચમત્કાર કહેવાશે.

નવાઈની વાત એ છે કે ન્યૂ ઝીલૅન્ડના ત્રણ પેસ બોલર (હેન્રી, ઓ’રુરકી, સાઉધી)એ આખી ભારતીય ટીમને પૅવિલિયન ભેગી કરી દીધી અને એક પણ સ્પિનરને બોલિંગ આપવાની જરૂર નહોતી પડી. જોકે કિવીઓની ઇનિંગ્સમાં ભારતના પેસ બોલર બુમરાહ કે સિરાજને વિકેટ નહોતી મળી અને ત્રણેય વિકેટ સ્પિનરે (જાડેજા, કુલદીપ, અશ્ર્વિન) લીધી હતી.

એ પહેલાં, ભારતે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ સાતમી ઓવરમાં ધબડકો શરૂ થયો હતો અને ટપોટપ વિકેટ પડવા લાગી હતી. 10મી ઓવર બાદ ટીમનો સ્કોર ત્રણ વિકેટે 13 રન હતો ત્યારે વરસાદનું વિઘ્ન આવ્યું હતું. ત્યાર પછી લંચ સુધીમાં ભારતે બીજી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમનો સ્કોર હતો ફક્ત 34 રન. હતાશ ભારતીય ખેલાડીઓ બરાબર જમ્યા પણ નહીં હોય અને લંચના બ્રેક બાદ જોત જોતાંમાં (બીજા 12 રનમાં) બાકીની ચાર વિકેટ પડી ગઈ હતી અને ઘરઆંગણે 46 રનનો લોએસ્ટ સ્કોર રેકૉર્ડ-બુકમાં આવી જવાને કારણે ટીમ ઇન્ડિયાની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો.

વિરાટ કોહલી સહિત પાંચ ભારતીય બૅટર ખાતું ખોલાવ્યા વગર પૅવિલિયન ભેગા થઈ ગયા હતા. ‘હીરોમાંથી ઝીરો’ બનેલા બીજા ચાર બૅટરમાં સરફરાઝ ખાન, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા અને રવિચન્દ્રન અશ્ર્વિનનો સમાવેશ હતો. યશસ્વી જયસ્વાલ (63 બૉલમાં 13 રન) અને વિકેટકીપર રિષભ પંત (49 બૉલમાં 20 રન) સિવાય બીજો કોઈ બૅટર ડબલ ડિજિટમાં રન નહોતો બનાવી શક્યો. સિક્સરની તો વાત જવા દો, ત્રણ જ બૅટર ફોર ફટકારવામાં સફળ થયા હતા અને એમાંનો એક હતો પેસ બોલર મોહમ્મદ સિરાજ!

ન્યૂ ઝીલૅન્ડે 50 ઓવરમાં ત્રણ વિકેટે 180 રન બનાવ્યા ત્યારે બીજા દિવસની રમત બંધ રહી હતી અને એ સમયે રચિન રવીન્દ્ર બાવીસ રને અને ડેરિલ મિચલ 14 રને દાવમાં હતો. કિવી બૅટર્સના ખાતે કુલ ત્રણ સિક્સર ઉપરાંત બાવીસ ફોર પણ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button