સ્પોર્ટસ

ગિલ કૅપ્ટન્સીના ડેબ્યૂમાં જ સદી ફટકારનાર પાંચમો ભારતીય સુકાની…

ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનોએ ભારતને 350-પ્લસનો સ્કોર અપાવ્યો

લીડ્સઃ શુભમન ગિલ (Shubhman gill)ના સુકાનમાં ભારતની યુવા ટેસ્ટ ટીમે શુક્રવારે અહીં યજમાન ઇંગ્લૅન્ડને પાંચ મૅચવાળી સિરીઝના પહેલા જ દિવસે પરચો બતાવી દીધો હતો. યશસ્વી જયસ્વાલ (101 રન, 159 બૉલ, એક સિક્સર, સોળ ફોર) પછી કૅપ્ટન શુભમન ગિલે પણ સદી ફટકારી હતી. ગિલ કૅપ્ટન તરીકેની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતનો પાંચમો સુકાની બન્યો છે. તે વિજય હઝારે, સુનીલ ગાવસકર, દિલીપ વેન્ગસરકર અને વિરાટ કોહલીની હરોળમાં થઈ ગયો હતો.

આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે ભારતે 83 ઓવરમાં ત્રણ વિકેટે 350 રન કર્યા હતા. કૅપ્ટન ગિલ 170 બૉલમાં એક સિક્સર અને 16 ફોરની મદદથી બનેલા 127 રને રમી રહ્યો હતો. તેની સાથે વાઇસ-કૅપ્ટન રિષભ પંત 57 રને દાવમાં હતો.
શુભમન ગિલની આ છઠ્ઠી અને એશિયાની બહાર પ્રથમ સદી હતી. આ પહેલાં એશિયાની બહાર તેનો હાઇએસ્ટ સ્કોર 91 રન હતો જે તેણે 2021માં ઑસ્ટ્રેલિયામાં કર્યા હતા. ગિલ અને યશસ્વી (Yashasvi) વચ્ચે ત્રીજી વિકેટ માટે 129 રનની તોતિંગ ભાગીદારી થઈ હતી.

ભારતને બૅટિંગ મળ્યા બાદ યશસ્વી અને સાથી ઓપનર કેએલ રાહુલે (42 રન, 78 બૉલ, આઠ ફોર)ની જોડીએ 91 રનની ભાગીદારી થઈ હતી. પહેલો એક કલાક અને 54 મિનિટ ભારતના હતા, પરંતુ લંચ પહેલાંની છેલ્લી ક્ષણો ઇંગ્લૅન્ડની હતી જેમાં ભારતે રાહુલ તેમ જ નવા બૅટ્સમૅન સાઇ સુદર્શન (0)ની વિકેટ ગુમાવી હતી. ભોજનના સમયે રમત અટકાવવામાં આવી ત્યાં સુધીમાં ભારતે 25.4 ઓવરમાં બે વિકેટ 92 રન કર્યા હતા. ટી-ટાઇમ વખતે ભારતનો સ્કોર 215/2 હતો.

બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવનઃ

ભારતઃ શુભમન ગિલ (કૅપ્ટન), રિષભ પંત (વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર), કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન, કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

ઇંગ્લૅન્ડઃ બેન સ્ટૉક્સ (કૅપ્ટન), જૅમી સ્મિથ (વિકેટકીપર), જૅક ક્રૉવ્લી, બેન ડકેટ, ઑલી પોપ (વાઇસ-કૅપ્ટન), જૉ રૂટ, હૅરી બ્રૂક, ક્રિસ વૉક્સ, બ્રાયડન કાર્સ, જૉશ ટન્ગ અને શોએબ બશીર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button