ભારત સામેની હાર બદલ કોચ મૅકલમે ભૂલ સ્વીકારી, કારણ આપતા કહ્યું કે…

એજબૅસ્ટન: ભારતે રવિવારે ઇંગ્લૅન્ડ સામે 336 રનના વિક્રમજનક માર્જિનથી વિજય મેળવવાની સાથે એજબૅસ્ટન (Edgbaston)માં બ્રિટિશરોને પહેલી વખત ધૂળ ચાટતા કર્યાં એને પગલે ખુદ ઇંગ્લિશ ટીમના હેડ-કોચ બ્રેન્ડન મૅકલમે (Mcculum) ટૉસ (TOSS) જીતીને ફિલ્ડીંગ લેવાના પોતાની ટીમના નિર્ણયની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે ‘ મૅચ જેમ આગળ વધશે એમ પિચ બેટિંગ માટે સારી થતી જશે એવું અમે ધાર્યું હતું, પણ એવું નહોતું બન્યું.’

વિક્રમજનક 336 રનના માર્જિનથી જીત
બીજી જુલાઈએ બેન સ્ટૉકસે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. ભારતે બૅટિંગ મળ્યા પછી કેપ્ટન શુભમન ગિલના 269 રન, રવીન્દ્ર જાડેજાના 89 રન, યશસ્વી જયસ્વાલના 87 રન અને વૉશિંગ્ટન સુંદરના 42 રનની મદદથી 587 રન કર્યા હતા. વિકેટકીપર જૅમી સ્મિથના અણનમ 184 રન તેમ જ હૅરી બ્રુકના 154 રન છતાં ઇંગ્લૅન્ડ 407 રન કરી શક્યું હતું. મોહમ્મદ સિરાજે છ અને આકાશ દીપે ચાર વિકેટ લીધી હતી.
ભારતે બીજા દાવમાં ગિલના 161 રન, રાહુલના 55 રન, પંતના 65 રન અને જાડેજાના અણનમ 69 રનની મદદથી છ વિકેટે 427 રન કર્યા હતા અને દાવ ડિકલેર કરીને બ્રિટિશરોને 608 રનનો અત્યંત મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. બેન સ્ટૉક્સની ટીમ બીજી ઇનિંગ્સમાં 271 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ભારત (India)નો 336 રનથી વિજય થયો હતો. આ મૅચમાં ભારતની ફીલ્ડિંગ પણ ઉચ્ચ કક્ષાની હતી. વિદેશી ધરતી પર ભારતની આ સૌથી મોટા માર્જિનવાળી જીત છે. ભારતે છ વર્ષ પહેલાંનો પોતાનો રેકોર્ડ (2019માં વેસ્ટ ઇન્ડિઝમાં 318 રનથી વિજય) તોડ્યો છે.
ભારતે એજબૅસ્ટનમાં ટેસ્ટ (TEST) રમવાનું શરૂ કર્યાં બાદ 58 વર્ષમાં પહેલી વખત ટેસ્ટ-વિજય મેળવ્યો છે. ન્યૂ ઝીલૅન્ડના મહાન ક્રિકેટર અને ઇંગ્લૅન્ડના મુખ્ય કોચ મૅકલમે કહ્યું, ‘ રમત જેમ જેમ આગળ વધી એમ પિચ અમે ધાર્યું હતું એ રીતે સારી બૅટિંગ માટે અનુરૂપ નહોતી થઈ. જોકે ભારત પ્રથમ દાવમાં 580-પ્લસ કરી જશે એવું પણ અમે નહોતું ધાર્યું. બસ, ત્યારથી જ અમે આ ટેસ્ટમાં ભારતથી પાછળ રહ્યા હતા.’
આકાશે પિચનો સારો ફાયદો ઉઠાવ્યો: મૅકલમ
મૅકલમે એ પણ કબૂલ્યું હતું કે, ‘ પ્રથમ દાવમાં જૅમી સ્મિથ અને હૅરી બ્રુક વચ્ચે 303 રનની જે શાનદાર ભાગીદારી થઈ એને લીધે અમે મૅચમાં થોડું સંતુલન લાવી શક્યા હતા. બસ, એટલું જ અમારા માટે સારું થયું હતું. મૅચમાં છેવટના ભાગમાં એજબૅસ્ટનની પિચ ભારતની પિચ જેવી થઈ ગઈ હતી. પિચમાં તિરાડો પડી ગઈ હતી, બૉલમાં અનિશ્ચિત ઉછાળ મળતા હતા અને સીમ બોલરને વધુ પડતી મૂવમેન્ટ મળતી હતી જેનો આકાશ દીપે સારો ફાયદો ઉઠાવ્યો હતો.’
ગુરુવારથી ત્રીજી ટેસ્ટ, બુમરાહના કમબૅકથી બ્રિટિશરો સાવધાન
પાંચ મૅચની સિરીઝ 1-1ની બરાબરીમાં છે. ગુરુવાર, 10મી જુલાઈએ લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટ શરૂ થશે અને એમાં જસપ્રીત બુમરાહ કમબૅક કરશે. મૅકલમે કહ્યું કે ‘ ત્રીજી ટેસ્ટમાં બુમરાહ પાછો રમવા આવશે એટલે અમારી ટીમે વધુ સારી યોજના સાથે મેદાન પર ઊતરવું જોઈશે. એજબૅસ્ટનની આખી ટેસ્ટમાં અમે શરૂઆતથી બીજા નંબર પર જ રહ્યા. શુભમન ગિલે આ પિચ પર સર્વોત્તમ સ્તરનો પર્ફોર્મન્સ બતાવ્યો અને અમારા જ ખેલાડીઓ જોઈએ એવું ન રમી શક્યા. ખરેખર, ભારતીય ટીમ આ મૅચ જીતવાને લાયક જ હતી.’